ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે ૨૦૨૧
ગુરુવાર
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાજ્યના વિવિધ ભાગોની નર્સો સાથે વાતચીત કરી રહ્યા હતા. એ દરમિયાન બઘેલ ઘણીવાર ગળગળા થઈ ગયા હતા. બઘેલે કોરોનાના આ સંકટ સમયે નર્સો દ્વારા દર્દીઓની રાત-દિવસ કરવામાં આવેલી સેવા અને ફરજની પ્રશંસા કરી હતી.
વાતચીત દરમિયાન પલારીમાં કાર્યરત નર્સ વર્ષા ગોંડાની વ્યથા સાંભળી મુખ્યમંત્રીની આંખ ભીંજાઈ ગઈ હતી. વર્ષાનાં સાસુ અને નણંદનું કોરોનાથી મૃત્ય થયું હતું. નર્સ વર્ષા અને તેના બંને દીકરા પણ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. સ્વાસ્થ્ય સારું થયા બાદ નર્સ ફરી પોતાની ફરજ બજાવવા પહોંચી ગઈ હતી. આ નર્સનો કિસ્સો સંભાળી ભૂપેશ બઘેલ રડી પડ્યા હતા. મુખ્યમંત્રીએ આ નર્સની કર્તવ્યનિષ્ઠાની ખૂબ સરાહના કરી હતી.
સૌથી મોટા સમાચાર : ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં કોરોનાની ૨૧૬ કરોડ રસી ઉપલબ્ધ હશે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ બીજી નર્સો સાથે પણ વાત કરી તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ તેમને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે “હું રાજ્યની તમામ નર્સ બહેનોને તેમની સેવા બદલ સલામ કરું છું.’’ તેમણે વધુમાં એમ પણ કહ્યું કે “ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ કહેવામાં આવે છે. આપણી નર્સ બહેનો પણ દેવી તરીકે માનવતાની સેવા જ કરી રહી છે.”