ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧
શુક્રવાર
લવ જેહાદ અંગે ગુજરાત સરકારે તાજેતરમાં ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ હેઠળ કાયદો બનાવ્યો હતો. એ બાદ હવે વડોદરામાં સૌપ્રથમ વખત આ ગુના હેઠળ ફરિયાદ દાખલ નોંધાઈ છે. એક મુસ્લિમ યુવકે પોતાનો ધર્મ છુપાવી સોશિયલ મીડિયા પર ખ્રિસ્તી ધર્મનો હોવાનું જણાવી એક યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી અને ત્યાર બાદ આ યુવતીના અંગત ફોટા વાયરલ કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ વર્ષે તેમનાં લગ્ન થયા બાદ યુવતીને ધર્મપરિવર્તન કરવાની ફરજ પાડવામાં આવી હતી.
સમીર અબ્દુલ કુરેશી નામના આ યુવકની વડોદરાની ગોત્રી પોલીસે ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ પોલીસને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર પોતાનું નામ માર્ટિન સેમ અને પોતે ખ્રિસ્તી હોવાનું જણાવી તે યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. તે આ યુવતીને એક હૉટેલમાં લઈ ગયો હતો અને ત્યાં બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. ઉપરાંત તેના ફોટા પાડી વાયરલ કરવાની ચીમકી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધતો હતો.
તેને પગલે યુવતીએ બેવાર ઍબૉર્શન કરાવવાની પણ ફરજ પડી હતી. આ વર્ષે તેણે લગ્ન કર્યાં હતાં લગ્ન બાદ તેના પરિવારજનો દ્વારા જણાવા મળ્યું હતું કે તે મુસ્લિમ છે અને તેનું સાચું નામ સમીર અબ્દુલ કુરેશી છે. એ બાદ તેના પરિવારજનો દ્વારા હિંદુ ધર્મ છોડી ગઈ મુસ્લિમ ધર્મ અપનાવવાની ફરજ પાડી હતી અને માનસિક ત્રાસ આપતા હતા.
ઉલ્લેખનીય છે કે પોલીસે આ મામલે યુવતીની ફરિયાદના આધારે બળાત્કાર, ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ અને ઍટ્રોસિટીના ત્રણ કાયદા હેઠળ ગુનો નોંધી અને આ યુવક સમીર અબ્દુલ કુરેશીની ધરપકડ કરી છે.