ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં જણાય છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ અગિયારમા ધોરણના વર્ગો શરૂ થતાં વધુ સમય લાગી શકે છે. અગિયારમા ધોરણમાં વિદ્યાર્થીઓને માંડ અડધું વર્ષ જ ભણવા મળશે એવી ભીતિ વાલીઓમાં છે. વાલીઓ હવે કહે છે કે જો કૉલેજો માત્ર અડધું જ વર્ષ ચાલુ રહેવાની હોય તો ફી શું કામ આખા વર્ષની ભરવી જોઈએ?
ગવર્નમેન્ટ ઍડેડ કૉલેજોમાં તો આ પ્રશ્ન ઊભો થશે નહિ, પરંતુ મૂળ અનઍડેડ વિભાગમાં આ ખૂબ મોટો પ્રશ્ન ઊભો થશે. એક વાલીએ નામ ન આપવાની શરતે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “જો કૉલેજોમાં સમયને અભાવે યોગ્ય શિક્ષણ નહિ મળે, તો વિદ્યાર્થીઓએ કલાસિસના ભરોસે રહેવું પડશે અને વાલીઓને કોરોનાકાળમાં બીજો ફટકો પડશે.”
CET અંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓમાં ભારોભાર મૂંઝવણ; CET તર્કસંગત ન હોવાનો લોકોનો મત, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ વર્ષે પરીક્ષાઓ રદ થઈ હોવાથી કોરોનાના કારણે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડે દસમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થીઓને નવમા ધોરણના ગુણ અને ઇન્ટરનલ એસેસમેન્ટને આધારે પરિણામ આપવામાં આવ્યું હતું. આ પરિણામ સાથે અસંતુષ્ટ વિદ્યાર્થીઓને અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે સરકારે કૉમન એન્ટરન્સ ટેસ્ટ (CET)નો વિકલ્પ આપ્યો છે.
હવે આ પરીક્ષાનું સમયપત્રક જોતાં સ્પષ્ટપણે જણાય છે કે જુનિયર કૉલેજ મોડી શરૂ થશે. સામાન્ય સ્થિતિમાં જુનિયર કૉલેજ ઑગસ્ટના પ્રથમ અઠવાડિયામાં શરૂ થતી હતી. જોકેહાલCET માટે જ ૨૧ ઑગસ્ટ, ૨૦૨૧ની તારીખ આપવામાં આવી છે.