ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 ઓક્ટોબર 2020
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ ખડસે શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં સામેલ થશે. એકનાથ ખડસેએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાની પુષ્ટિ પણ પક્ષ દ્વારા થઈ છે. ભાજપે એકનાથ ખડસેને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠલી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઉદ્ધવ સરકારમાં ખડસેને મંત્રી પદ મળે તેવી શક્યતા છે. એકનાથ ખડસેની નજર કૃષિ મંત્રાલય પર છે જે હાલમાં શિવસેના પાસે છે.
ભાજપમાં ખડસેને સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાથી તે પક્ષ છોડશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. એનસીપીના નેતા શરદ પવારે પણ નિવેદન કરી જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપને બેઠો કરવામાં ખડસેનું મહત્વનું યોગદાન રહ્યું છે, ત્યારે હવે તેમને પાર્ટીએ હાંસિયામાં ધકેલી દીધા છે જે યોગ્ય નથી.
2015માં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ એકનાથ ખડસેએ ફડણવિસ સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી તેમની રાજકીય કારકિર્દી અસ્તાચલ તરફ ધકેલાઈ હોવાનું માનવામાં આવતું હતું. 2019 વિધાનસભા ચૂંટણીમાં ખડસેને ટિકિટ ના મળતા તેમણે દેવેન્દ્ર ફડણવિસ પર સીધા પ્રહારો શરૂ કર્યા હતા. આ ઉપરાંત જલગાંવમાં પાર્ટી ગિરીશ મહાજનને મહત્વ આપી રહી છે. એ પણ ખડસેની નારાજગી નું કારણ છે.