ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
મુંબઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને મળેલી ગુપ્ત માહિતીના આધારે રેલવે પોલીસે પશ્ચિમ બંગાળની 17 વર્ષની માસૂમ બાળકીને બચાવી લીધી છે. બૉલિવુડ કિંગ એટલે કે શાહરુખ ખાનને મળવાના બહાને આ છોકરીને મુંબઈ લાવવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે આરોપીની પણ રંગેહાથે ધરપકડ કરી છે. દાદર GRPના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક ધ્યાનેશ કટકરેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે યુવતીને તસ્કરી હેઠળ મુંબઈ લાવવામાં આવી હતી. આરોપીએ પીડિતાને શાહરુખ સાથે તેના બાંદ્રા સ્થિત બંગલા પર મુલાકાત કરાવવાનું કહી ફસાવી હતી.
આરોપીએ પીડિત યુવતીને ફેસબુકના માધ્યમથી પોતાની જાળમાં ફસાવી હતી. તેની ઉંમર છુપાવવા માટે, તેણે ફેસબુક પર પ્રોફાઇલ પિક્ચર તરીકે પોતાના પુત્રનો ફોટો મૂક્યો હતો. તેણે કિંગ ખાન સાથે મળવવાની લાલચ આપીને તેને મુંબઈ બોલાવી હતી. જ્યારે તે છોકરી જાળમાં આવી ગઈ ત્યારે તેણે છોકરીને કહ્યું કે મને કોરોના થયો છે, હું તને લેવા આવી શકીશ નહીં, એથી તું મારા પિતા સાથે મુંબઈ આવ.
ઇઝરાયલના નિશાના પર છે યુનિલીવરની આ બ્રાન્ડ; જાણો શું છે સમગ્ર મામલો અહીં
ત્યારબાદ આરોપી પીડિતા જ્યાં રહેતી હતી, એ વિસ્તારમાં ગયો હતો જ્યાં યુવતી કોચિંગમાં અભ્યાસ કરતી હતી. ત્યાંથી તે તેને કોલકાતા સ્ટેશને લઈ ગયો. આ દરમિયાન, યુવતીનું સીમકાર્ડ તેણે તોડી નાખ્યું હતું અને ફેંકી દીધું હતું, જેથી લોકેશન ટ્રેશ ન કરી શકાય. આ દરમિયાન જ્યારે પુત્રી થોડા કલાકો સુધી ઘરે ન આવી ત્યારે યુવતીના પરિવારજનોએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તમામ રેલવે સ્ટેશનોને જાણ કરી હતી અને રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ તપસ્યા હતા. પોલીસને જણાયું હતું કે આરોપી યુવતી સાથે હાવરા મેલમાં સવાર હતો. એ બાદ દાદર GRPને જાણ થતાં જ ટ્રેન દાદર પહોંચતાંની સાથે જ યુવતીને બચાવી લેવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હવે પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે યુવતીને તસ્કરી માટે મુંબઈ લાવવામાં આવી હતી કે બીજું કોઈ કારણ હતું. ઉપરાંત આ આરોપી સાથે કેટલા લોકો સામેલ છે.