ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર, 2021
બુધવાર
મુંબઈમાં કોરોનાનો ડર હવે લોકોને રહ્યો નથી. લોકો બેફિકર થઈને કોરોના નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાઈ રહ્યા છે. એવામાં એક મામલો સામે આવ્યો છે જેમાં કોરોનાથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ એક વ્યકિતએ કોરોના એન્ટિજન ટેસ્ટ કરાવવાનું નકાર્યું હતું ઉપરથી આરોગ્ય કર્મચારી સાથે ગેરવર્તન કર્યું હતું. તેથી આ 42 વર્ષના વ્યક્તિની નેરુળ પોલીસે ધરપકડ કરી છે.
નેરુળના સેક્ટર-16ના એન-2 બિલ્ડિંગમાં એક કોરોના પોઝિટિવ દર્દી હોવાનું જાણ્યા બાદ એક ડૉક્ટર અને નર્સની ટીમ રવિવારે બપોરે ત્યાં પહોંચી ગઈ હતી. સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શ્યામ શિંદેએ મીડિયાને જણાવ્યું હતું કે નવી મુંબઈના પાલિકા કમિશનરના આદેશ મુજબ અધિકારીઓએ દરેક પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલી 31 વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાનું રહે છે.
આનંદો! ટૂંક સમયમાં સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ, સરકાર ભરી રહી છે આ મોટું પગલું; જાણો વિગતે
અધિકારીઓએ આ કારણથી ટેલિકૉમ કંપનીમાં ટ્રેઇનર તરીકે કામ કરતા વિપિનકુમાર પુરચંદ ભોલાનો સંપર્ક કર્યો હતો. વિપિનકુમારે તેમને એન્ટીજન ટેસ્ટ સૅમ્પલ લેવા નહોતું દીધું અને અપશબ્દો કહ્યા હતા તથા ડોકટર અને નસને ધક્કો પણ માર્યો હતો. આ બાબતે ડોકટરે નેરુળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં વિપિનકુમારની ધરપકડ કરવામાં આવી હતી.
આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે વિપિનકુમારની ધરપકડ બાદ તેની RT-PCR કરાઈ હતી જે નેગેટિવ આવી હતી. તેને સોમવારે અદાલતમાં હાજર કરાયા બાદ મેજિસ્ટ્રેટ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો.