ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
ભારતમાં કોરોનાના કહેરને ડામવા માટે રસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. આ દરમિયાન પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રચારની તક ઝડપી લીધી હતી. વેક્સિન આપ્યા બાદ આપવામાં આવતા પ્રમાણપત્ર પર મોદીનો ફોટો છપાતો હતો. હવે આ બાબતે અમુક કૉન્ગ્રેસ શાસિત રાજ્યોએ મોદીના ફોટા સાથે પ્રમાણપત્ર નહીં આપવાનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકાર પોતાના પૈસાથી રસી ખરીદે છે, તો મોદીનો ફોટો કેમ? મુખ્ય પ્રધાનનો કેમ નહીં? એવો સવાલ પણ તેમણે પૂછ્યો છે. છત્તીસગઢ અને ઝારખંડની રાજ્ય સરકારોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હવે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરેલા મોદીના ફોટા સાથેના પ્રમાણપત્ર જારી કરશે નહીં. આ બંને રાજ્યોમાં કૉન્ગ્રેસની સરકાર છે. ૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકોને રસી આપવાની જવાબદારી રાજ્ય સરકારોની હોવાથી, તેમને રસીકરણનાં પ્રમાણપત્રો છાપવાનો અધિકાર છે, એમ રાજ્ય સરકારોએ મીડિયાને કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ રાજ્ય સરકારે રસીકરણ માટે એક અલગ પોર્ટલ શરૂ કર્યું છે, જેમાં રસીકરણ બાદ મુખ્ય પ્રધાનના ફોટા સાથે પ્રમાણપત્ર છાપવામાં આવશે, એમ છત્તીસગઢના આરોગ્યપ્રધાન ટી. એસ. સિંઘદેવે મીડિયાને જણાવ્યું છે. ઝારખંડ રાજ્ય સરકારે ૧૮ વર્ષથી ઉપરના લોકોના રસીકરણ અભિયાનના નોંધણી કાર્ડ ઉપર મુખ્ય પ્રધાન હેમંત સોરેનનો ફોટો છાપ્યો છે.