News Continuous Bureau | Mumbai
દશેરાની રેલીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ખરેખર કોણ જીત્યો તે જાણવાની ઉત્કંઠા સહુ કોઈને છે. તો ચાલો આપણે એ દરેક ફેક્ટરની છણાવટ કરીએ જેનાથી એ નક્કી કરી શકાય કે આ મુકાબલો કોણે જીત્યો.
રેલીમાં ભેગી થયેલી જનમેદની:
ઉદ્ધવ ઠાકરે ની રેલી શિવાજી પાર્ક મેદાન ખાતે થઈ હતી અહીં ગત ચાર દશકોથી તેમના પિતા એટલે કે બાળા સાહેબ ઠાકરે રેલીને સંબોધિત કરતા આવ્યા છે. દશેરાને દિવસે ઉદ્ધવ ઠાકરેની રેલીમાં આશરે દોઢ લાખ લોકો ભેગા થયા હતા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને એક સમયના શિવસેના ના વરિષ્ઠ નેતા એવા એકનાથ શિંદે ની રેલી બાંદ્રા કોમ્પ્લેક્સ ખાતે યોજાઇ હતી. અહીં મુંબઈનો સૌથી મોટો ખુલ્લું મેદાન આવેલું છે. આ રેલીમાં ઉપસ્થિત લોકોની સંખ્યા બે લાખથી વધુ હતી.
એટલે એક વાત સ્પષ્ટ છે કે સંખ્યાની દ્રષ્ટિએ એકનાથ શિંદેએ એ મેદાન મારી લીધું.
કોની હાજરી ક્યાં રહી?
ઉદ્ધવ ઠાકરે ની રેલીમાં એવો દાવો કરવામાં આવ્યો કે નિષ્ઠાવાન શિવ સૈનિકોની હાજરી રહી. જોકે મંચ પર સંજય રાઉત ઉપસ્થિત નહોતા એટલે તેમની ખુરશી ખાલી રાખવામાં આવી હતી. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેના મંચ પરથી એવા અનેક ચહેરાઓ ગાયબ હતા જે ચહેરાઓ બાળાસાહેબ ઠાકરેની દશેરા રેલી થી આજ દિવસ સુધી હંમેશા ઉપસ્થિત રહ્યા છે.
એકનાથ શિંદે ની રેલીમાં પણ એક ખુરશી ખાલી રાખવામાં આવી હતી. આ ખુરશી હતી બાળાસાહેબ ઠાકરેની ખુરશી. આ ઉપરાંત એકનાથ શિંદે સાથે બાળાસાહેબ ઠાકરે ના પીએ થાપા અને ઉદ્ધવ ઠાકરેના મોટાભાઈ જયદેવ ઠાકરે, સ્મિતા ઠાકરે અને તેમનો પૂરેપૂરો પરિવાર ઉપસ્થિત હતો.
આમ એક વાત સ્પષ્ટ છે કે ઉદ્ધવ ઠાકરેની ચમક મંચ પર ઉપસ્થિત રહેલા લોકોની તુલનામાં ફીકી પડી ગઈ.
રેલીમાં ઉપસ્થિત રહેલા લોકો કયા સ્થળેથી આવ્યા હતા અને પાર્ટીમાં કયું પદ ધરાવતા હતા?
ઉદ્ધવ ઠાકરે ની રેલીમાં જે લોકો અસ્તિત રહ્યા હતા તેઓ કટર શિવ સૈનિક હોવાની સાથો સાથ ઉત્સાહથી ભરપૂર હતા. ઉદ્ધવ ઠાકરે ની રેલીમાં મુંબઈ શહેરમાં રહેલા શિવશૈનિકોની સંખ્યા આશરે 80% થી વધુ હતી. તેમની રેલીમાં મુંબઈ શહેરના તમામ નગરસેવકો અને ગણ્યા ગાંઠિયા ધારાસભ્યો હાજર હતા. જે ધારાસભ્યો મુંબઈ શહેરની બહારથી આવ્યા હતા તેઓ પોતાની સાથે અનેક બસ ભરીને શિવ સૈનિકો લઈ આવ્યા હતા. પરંતુ આવા લોકોની સંખ્યા આખી રેલીમાં ૨૦ ટકાથી વધુ ન હતી. જે શિવ સૈનિકો મેદાનમાં મોજુદ હતા તેઓ શિવસેનાના મુંબઈ શહેરના પદાધિકારીઓ હતા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની રેલીમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો ઉપસ્થિત હતા અને આ ધારાસભ્યો આખા મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી આવ્યાં હતા. આ ઉપરાંત થાણા, નવી મુંબઈ અને કલ્યાણ ડોબીવલી વિસ્તારના તમામ પદાધિકારીઓ અને જન પ્રતિનિધિઓ સો ટકા ઉપસ્થિત રહ્યા હતા.
આ તુલનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ઉદ્ધવ ઠાકરે મુંબઈનો ગઢ હાલ પૂરતો બચાવવામાં આ રેલી સુધી સંપૂર્ણપણે સફળ રહ્યા છે. બીજી તરફ એકનાથ શિંદેએ જે તાકાતનું પ્રદર્શન કર્યું તેનાથી એક વાત સ્પષ્ટ છે કે ઉદ્ધવ ઠાકરે માત્ર એક ભૌગોલિક વિસ્તાર સુધી સીમિત થઈ ગયા છે અને એકનાથ શિંદેએ એ તેમને ઘેરી લીધા છે.
મંચ પરથી ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને તેનો ઇમ્પેક્ટ.
ઉદ્ધવ ઠાકરેની શિવાજી પાર્ક પર થયેલી રેલીમાં ઠેઠ મહારાષ્ટ્રના મુદ્દાઓ અને ગદ્દારોને પાઠ ભણાવવામાં આવશે તેવી ધમકી વાળા સ્વર સાંભળવા મળ્યા હતા. આ તમામ મુદ્દાઓ ખુદ ઉદ્ધવ ઠાકરે અને તેમનાથી પહેલાના તમામ વક્તાઓએ રજૂ કર્યા હતા. તેમની ભાષા અને મુદ્દાઓ ઓછા વત્તા પ્રમાણમાં એવા જ રહ્યા હતા જેવા અત્યાર સુધી રહેતા આવ્યા છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેની રેલીમાં તેમણે લખેલું ભાષણ વાંચ્યું હતું. અત્યાર સુધી તેઓ પોતાના મનની ભાષા બોલતા હતા પરંતુ આ વખતે તેમણે પોતાની જાતને એક કાગળિયા સુધી સંયમિત કર્યા. પોતાના ભાષણમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના ભારોભાર વખાણ કર્યા. તેમજ આવનાર સમયમાં તેઓ આગળ કઈ રીતે વધશે અને મહારાષ્ટ્રની શી રીતે આગળ લઈ શકશે તે વિચાર રજૂ કર્યા.
વક્તવ્યના મામલે બંને જૂથે પોતાના વિચારો પોતાની શૈલીમાં રજૂ કર્યા છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ઉદ્ધવ ઠાકરે શિવસેના બચાવવા મથી રહ્યા છે ત્યારે એકનાથ શિંદે એ જબાનમાં વાત કરી રહ્યા છે જે દબાણમાં મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી વાત કરતા હોય. એટલે કે એકનાથ શિંદે પોતાની સાથે આવેલા તમામ શિવ સૈનિકોને ભાજપના રસ્તે આગળ વધારવામાં થતા હોય તેવું લાગે છે.
એન્ડિંગ કમેન્ટ
ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેએ પોતપોતાની તાકાતનું પ્રદર્શન કર્યું એમાં એક વાત સ્પષ્ટ છે કે ઉદ્ધવ ઠાકરે ન ફક્ત એકલા છે પરંતુ મુંબઈ સુધી મર્યાદિત છે અને તેમની પાસે ભાવનાત્મક રીતે શિવ સૈનિકોને સાથે રાખ્યા સિવાય નો બીજો કોઈ વિકલ્પ મોજુદ નથી અને તેમની રેલીમાં એવું જ દ્રશ્ય દેખાયુ. બીજી તરફ એકનાથ શિંદેએ જે કરવું હતું તે કરી નાખ્યું અને હવે તેઓ આગળ નીકળી ચૂક્યા છે તે સ્પષ્ટ દેખાય છે. તેઓ ભાજપના રંગે રંગાઈ ગયા છે અને તેમને પોતાની સાથે આવેલા તમામ લોકોને ભાજપના રસ્તે આગળ લઈ જવા માંગે છે તે સ્પષ્ટ દેખાય છે.