ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 નવેમ્બર 2020
દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોનાએ ભારતમાં પણ ફરી ઉથલો માર્યો છે. દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ જે સમયે ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેવા સમયે ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશનો પહાડી વિસ્તાર સુરક્ષિત રહી શક્યો હતો.. લાહૌલ સ્પીતિ જિલ્લામાં કોરોનાના પ્રારંભિક સમયમાં બેથી ત્રણ મહિના સુધી એક પણ કોરોનાનો દર્દી સામે નહોતો આવ્યો. પરંતું, લૉકડાઉન ખૂલતાં જ, લોકોની અવરજવર વધતાં અહીં પણ કોરોનાએ પોતાનો કહેર વરસાવવાનો શરૂ કરી દીધો. આ વાત છે હિમાચલના થોરંગ ગામની, અહીં સ્થિતિ કંઈક એવી રીતે બદલાઈ ગઈ કે 52 વર્ષીય એક શખ્સને બાદ કરતાં આખું ગામ કોરોના સંક્રમિત થઈ ગયું છે.
આ ગામના 52 વર્ષીય ભૂષણ ઠાકુર એકમાત્ર રહેવાસી છે જેમને કોરોના વાયરસ સ્પર્શી નથી શક્યો. જોકે, ભૂષણના પરિવારના અન્ય 6 સભ્યો કોરોના સંક્રમિત છે.
આ અંગે ભૂષણે જણાવ્યું કે, જ્યારે તેમના ગામમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો ત્યારથી જ તેઓએ પોતાની જાતને એક અલગ રૂમમાં કેદ કરી દીધી છે. આ ઉપરાંત તેઓ પોતાનું ખાવાનું અને બાકીના તમામ કામો જાતે જ કરે છે. ભૂષણ એ વાત માને છે કે જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરી ઈમાનદારીથી પાલન કરવામાં આવે તો કોરોનાથી બચી શકાય છે.
ઉલ્લેખનીય છે કે આ ગામમાં લગભગ 160 લોકો રહે છે પરંતુ બરફવર્ષા બાદથી ઘણા લોકો કુલ્લુ જતા રહ્યા છે. કેટલાક દિવસ પહેલા ગામના 5 લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા. ત્યારબાદ ગામના તમામ 42 લોકોએ સ્વેચ્છાથી કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો.. જે ટેસ્ટમાં ભૂષણને બાદ કતાં તમામ લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતાં.
