ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
એક મહત્ત્વનો ચુકાદો આપતાં અલ્હાબાદ હાઈ કોર્ટે અન્ય ધર્મોમાં લગ્ન કરનાર યુવાનોને મોટી રાહત આપી છે.
એક અરજીની સુનાવણી બાદ હાઈ કોર્ટે કહ્યું કે જો બે અલગ-અલગ ધર્મના પુખ્ત વયનાં લોકોએ લગ્ન કર્યાં હોય તો તેમનાં માતાપિતાને પણ તેમનાં લગ્ન જીવનમાં દખલ કરવાનો અધિકાર નથી. કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટપણે કહ્યું કે જો કોઈ અન્ય ધર્મમાં લગ્ન કરે તો તેમનાં લગ્નજીવનમાં કોઈ દખલ કરી શકે નહીં અને જો તેઓ પોલીસ સુરક્ષાની માગ કરશે તો પોલીસે તેમને સુરક્ષા પૂરી પાડવી પડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર શિફા હસન નામની મુસ્લિમ મહિલાએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યાં. જે બાદ તેમણે હિન્દુ ધર્મ અપનાવવા માટે જિલ્લા મૅજિસ્ટ્રેટ પાસે પરવાનગી માગી હતી. જિલ્લા મૅજિસ્ટ્રેટે પોલીસ સ્ટેશનમાં આ અંગે રિપૉર્ટની માગણી કરી હતી. આ અંગે પોલીસે માહિતી આપી કે યુવકના પિતા આ લગ્ન સાથે સહમત નથી અને બીજી તરફ યુવતીના પરિવારના સભ્યો પણ તેની વિરુદ્ધ છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ફટકો, આ દિગ્ગજ નેતા ભાજપ સાથે છેડો ફાડી ટીએમસીમાં જોડાયા
આ પછી શિફાને પોતાના અને તેના પતિના જીવને જોખમ છે એવું લાગ્યું. આ સંદર્ભે તેમણે કોર્ટમાં અરજી કરી ન્યાયની માગ કરી હતી. આના પર કોર્ટે કોઈને પણ હસ્તક્ષેપ ન કરવા અને પોલીસ તરફથી સુરક્ષા પૂરી પાડવાનો આદેશ પસાર કર્યો. આ દરમિયાન કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે પુખ્ત વ્યક્તિને પોતાની રીતે જીવન જીવવાનો દરેક અધિકાર છે અને એમાં કોઈ દખલ કરી શકે નહીં.
હાઈ કોર્ટે શિફાની અરજી પર ચુકાદો આપતાં કહ્યું કે પુખ્ત વ્યક્તિને પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ તેની પસંદગી સામે કોઈ વાંધો ઉઠાવી શકે નહીં. લગ્ન કર્યા પછી તેમના વૈવાહિક સંબંધો સામે વાંધો ઉઠાવવાનો કોઈને અધિકાર નથી. જસ્ટિસ એમ. કે. ગુપ્તા અને જસ્ટિસ દીપક વર્માની બેન્ચ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો.