ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
31 ઓક્ટોબર 2020
ભારતીય જનતા પક્ષમાંથી એકનાથ ખડસે એનસીપી (નેશનલ કોંગ્રેસ પાર્ટી)માં જોડાયાના ગણતરીના દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય સચિવ તથા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન પકંજા મુંડેએ એનસીપીના વડા શરદ પવારના વખાણ કરતા, તેઓ પણ એનસીપીમાં જોડાઈ શકે એવી રાજકીય અટકળો તેજ થઈ છે.
કોવિડ-19ની કટોકટીના તબક્કા દરમિયાન શરદ પવાર એક પછી એક મીટિંગ અને કામ કરવાની ક્ષમતા સરાહનીય વાત હોવાનું પકંજા મુંડેએ ટ્વિટ કર્યું હતું. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની આઘાડી સરકારમાં એનસીપીના 79 વર્ષીય શરદ પવાર મહત્ત્વના નેતા માનવામાં આવે છે. ભારે વરસાદ અને પૂરના પ્રકાપોને કારણે રાજ્યભરમાં થયેલા નુકસાન અંગે તાજેતરમાં શરદ પવારે મુલાકાત લીધી હતી. જેના પંકજા મૂંડેએ વખાણ કરતી પોસ્ટ મુક્યા બાદ આ ચર્ચા ઉઠી છે.
જોકે, આ ટ્વિટની ચર્ચા રાજકીય વર્તુળોમાં થવા લાગતા પંકજા મુંડેએ ટ્વિટ ડિલિટ કરી નાખી હતી. બીજી તરફ શરદ પવારના પૌત્ર અને અજિત પવારના પુત્ર રોહિત પવારે પંકજા મુંડેનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે "સારા કામની પ્રશંસા કરવાની મહારાષ્ટ્રની પરંપરા છે અને આને લીધે પકંજાની ટીકા ન થવી જોઈએ." પરંતુ ખડસેને પગલે પગલે હવે ભાજપના નેતાઓ અન્ય પક્ષમાં જોડાવવા માટે લોબિંગ કરી રહ્યા હોવાનો સૂત્રોએ દાવો પણ કર્યો હતો.