ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટાભાગની સરકારી ઓફિસમાં, બેંકમાં કામ કરતા કર્મચારીઓમાં કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલની ઓફિસમાં 21 તો અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન છગન ભુજબળની ઓફિસમાં 22 કર્મચારીઓને કોરોના થયો હોવાનું બહાર આવ્યું છે.
રાજ્ય સરકારમાં મોટાભાગના મંત્રીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે અને હવે તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ એક પછી એક કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. કર્મચારીઓની આરટીપીસીઆર કરવામાં આવતા દિલીપ વળસે પાટીલની ઓફિસમાં 21 કર્મચારીઓ પોઝિટિવ જણાયા હતા. તો છગન ભુજબળની ઓફિસમાં કામ કરતા 22 કર્મચારી પોઝિટિવ નીકળ્યા હતા.
ઈટાલીથી આવેલી ફ્લાઇટમાં સતત બીજા દિવસે કોરોના વિસ્ફોટ, આટલા મુસાફરો આવ્યા પોઝિટિવ; જાણો વિગતે
હાલ રાજ્યમાં 20 મંત્રી કોરોના પોઝિટિવ છે. તો 70થી વધુ વિધાનસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો છે. હવે તેમના કર્મચારીઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. હાલમાં જ વૈદ્યકીય શિક્ષણમંત્રી અમિત દેશમુખ પણ પોઝિટિવ આવ્યા હતા. તો મહેસુલ મંત્રી બાળાસાહેબ થોરાતની ઓફિસમાં પણ અનેક કર્મચારી અને અધિકારી પોઝિટિવ આવ્યા હતા.