ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
9 જુન 2020
બેસહારાઓને મદદ કરવા ગયેલા સોનુ સૂદ ના મામલે વિવાદ શમવાનું નામ લેતો નથી. લોકડાઉન દરમિયાન બેરોજગાર થયેલા લોકોને પોતાના વતન મોકલવા માટે ફિલ્મ સ્ટાર સોનુ સૂદ આગળ આવ્યા હતા પરંતુ, મહારાષ્ટ્રમાં શિવસેનાની રાજનીતિમાં જશને બદલે તેઓને અપજશ મળી રહ્યો છે. હવે તો સોનુ સૂદ પાસે મદદ માંગનારા ટ્વિટ પણ અચાનક ગાયબ થઇ ગયા હોવાનું જોવા મળ્યું છે.
ગયા સપ્તાહે શિવસેનાના નેતા સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે "સોનુ સૂદના ભારતીય જનતા પાર્ટી સાથે સંબંધો છે. જેની મદદથી તે આટલા બધા પરપ્રાંતિયોને વતન પરત મોકલી રહ્યા છે". આવા આરોપ બાદ સોનુ સ્વયં માતોશ્રી જઈ ઉદ્ધવ ઠાકરેને મળી પોતાની વાત સ્પષ્ટ કરી આવ્યા હતા. આમ છતાં મદદ કરવાનો વિવાદ વકરી રહ્યો છે.
સોમવારે જ્યારે સોનું સૂદ ઉત્તર પ્રદેશ જવા નીકળેલા લોકો ને બાંદ્રા ટર્મિનસ ખાતે મળવા ગયા હતા ત્યારે મુંબઇ પોલીસે સોનુંને સ્ટેશન બહાર જ અટકાવી દીધા હતા અને પ્લેટફોર્મ પર જવા દીધા નહોતા. આને પગલે સોનુ જે લોકોની મદદ કરવા અને હિંમત વધારવા ગયા હતા, તેને બાંદરા ટર્મિનસથી જ વીલા મોઢે પાછા ફરવું પડ્યું હતું..