ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર.
અયોધ્યામાં રામ મંદિર બનાવવાને લઈને સુપ્રીમ કોર્ટના નવેમ્બર 2019ના આદેશ બાદ અહીં જમીન સોનાની લગડી સમાન બની ગઈ છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે મંદિર બનાવવાનો આદેશ આપ્યા બાદ અહીં સ્થાનિક ગ્રામીણ રહેવાસીઓ પાસેથી જમીન ખરીદવાના અને ટ્રાન્સફર કરાવી લેવાના બનાવ વધી ગયા છે. જેમાં મોટાભાગે સ્થાનિક સરકારી અધિકારીઓ, તેમના સગાસંબધીઓ, મેયર, ધારાસભ્ય વગેરે લોકોએ મોટા પ્રમાણમાં અહીં જમીનની ખરીદી હોવાનું જણાયું છે.
અયોધ્યાના રામ મંદિરના સત્તાવાર ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના 2020માં થઈ હતી. ટ્રસ્ટે અત્યાર સુધી 70 એકર જમીનનું સંપાદન કર્યું છે. અહીં મંદિર બનવાનું હોવાથી જમીનના ભાવ કરોડો રૂપિયા પર પહોંચી ગયો છે તેનો ફાયદો લેવા જમીનની ખરીદી માટે અનેક લોકો આગળ આવ્યા છે.
અખબારના દાવા મુજબ સ્થાનિક વિધાનસભ્ય, અયોધ્યામાં ફરજ બજાવતા બ્યુરોકેટ્સના નજીકના સંબંધી, સ્થાનિક મહેસુલ અધિકારી કે જેમની જવાબદાર જમીન ટ્રાન્સફરના સોદાને પ્રમાણિત કરવાની છે તેઓએ પણ અહીં જમીન ખરીદી છે. એ સિવાય ભૂતપૂર્વ વિધાનસભ્ય, મેયર અને સ્ટેટ ઓબીસી કમિશનના સભ્ય, ડિવિઝનલ કમિશનરના સંબંધીઓ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ડેપ્યુટી ઈન્સપેકટર ઓફ જનરલ પોલીસ, સર્કલ ઓફિસર ઓફ પોલીસ, સ્ટેટ ઈર્ન્ફોમેશન કમિશનરવગેરે લોકોએ પણ અહીં જમીન ખરીદી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મોટાભાગના લોકોએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રામ મંદિર પરિસરના પાંચ કિલોમીટરના અંદરના પરિસરમાં જમીન લીધી છે. આ તમામ સોદાઓમાં ગેરવ્યવહારની શંકા સેવાઈ રહી છે. મોટાભાગના બનાવમાં ગરીબ સ્થાનિક દલિત પાસેથી આ જમીન લેવામાં આવી છે.