ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
09 નવેમ્બર 2020
દરેક ઓપીનીયન પોલમાં મોટેભાગે રાજદ અને કોંગ્રેસના ગઠબંધનને પાતળી બહુમતી સાથે પણ વિજય મળે તેવા સંકેત છે. 243 બેઠકોની વિધાનસભામાં એનડીએનું ગઠબંધન જો બહુમતીથી થોડુ દૂર રહી જાય તો ભાજપે પ્લાન-બી તૈયાર રાખ્યો હોવાના સંકેત છે. ખાસ કરીને તે વિધાનસભામાં બહુમતીના આંકને પહોંચવા કોંગ્રેસના સભ્યોને તોડવાનો વ્યુહ અપનાવે તેવા સંકેત છે.
બિહારમાં શનિવારે સાંજે આવેલા એકઝીટ પોલમાં એક માત્ર ચાણકયના પોલમાં રાજદ અને કોંગ્રેસના મહાગઠબંધનને 121 બેઠકો મળશે તેવો અંદાજ અપાયો છે. જયારે અન્ય એકઝીટ પોલમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે થોડી બેઠકોનો ફર્ક રહી જાય તેવી શકયતા છે. એનડીએમાં પણ જનતાદળ યુ કરતા ભાજપ વધુ બેઠકો મેળવી જાય તેવુ પણ માનવામાં આવે છે. આ સ્થિતિમાં ભાજપે તેના બિહારના નિષ્ણાંતોને એલર્ટ કરી દીધા છે અને જો 8-10 બેઠકોનો તફાવત હોય તો કોંગ્રેસમાંથી ધારાસભ્યોને ખેચી લાવવાની તૈયારી રાખી હોવાના સંકેત છે. આ સ્થિતિમાં જો નિતીશકુમાર સહમત ન થાય તો પોતાના મુખ્યમંત્રીને બેસાડી દેશે અને કોઈપણ ભોગે રાજયમાં સરકાર રચશે તેવા સંકેત છે.
કોંગ્રેસ બિહારની આ સ્થિતિથી એલર્ટ બની ગઈ છે અને દરેક જિલ્લામાં કોંગ્રેસના નિરીક્ષકોને નિયુક્ત કરી દીધા છે અને ચૂંટાયેલા ધારાસભ્યો અકબંધ રહે તેવી તૈયારી રાખી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભંગાણનો ભય કોંગ્રેસને સૌથી વધુ છે. અન્ય રાજયોમાં ભાજપે સરકાર બનાવવા માટે યુક્તિ અજમાવી હતી તેવી જ યુક્તિ બિહારમાં પણ અપનાવી શકે છે. કોંગ્રેસ ને ભય છે કે કોઈ પ્રધાનપદની લાલચે તેમના ધારાસભ્ય પક્ષપલટો કરી શકે છે.