ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ માં સ્પેશિયલ કોર્ટ દ્વારા આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 11 તારીખે હવે આરોપીઓને સજા આપવામાં આવશે. પ્રક્રિયા અનુસાર દોષિત ઠેરવ્યા બાદ કોર્ટે આરોપીઓને સાંભળવા પડે છે. આ માટે ત્રણ સપ્તાહ નો સમય માંગતા નામદાર કોર્ટે તા. 11 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે આજે (બુધવારે) સજાની સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન દોષિત 49 આરોપીઓને વર્ચ્યૂઅલી રીતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે દરેક આરોપીઓ અને બચાવ પક્ષની દલીલો સાંભળી હતી. સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા બચાવ પક્ષના વકીલોને ટકોર કરવામાં આવી કે તેઓ જેલમા બંધ દોષીતોની મુલાકાત લે. સાથે જ દોષિતો શું કહી રહ્યા છે તે જાણો અને બાદમાં પોતોના પક્ષ રજૂ કરો તેવું પણ કોર્ટે કહ્યું. આ ઉપરાંત કોર્ટ દ્વારા બચાવ પક્ષના વકીલને સવાલ કરવામાં આવ્યો કે શું આરોપીઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે કે નહીં. કોર્ટે દોષીતોની શૈક્ષણિક લાયકાત સહિતની વિગત તેમના પરિવાર પાસેથી મેળવવા આદેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન કોર્ટમાં આરોપીના વકીલે રજૂઆત કરી હતી કે તેમને સુધારા માટે એક તક આપવામાં આવે. ઋષિ વાલ્મિકીનું ઉદાહરણ આપી બચાવ પક્ષે પોતાની રજૂઆત કરી હતી. વકીલે કહ્યું હતું કે આરોપી સંબંધિત કેટલીક સ્થિતિ જાણવા અને મેડિકલ પુરાવા માટે અમને 3 અઠવાડિયાનો સમય આપવામાં આવે. જોકે કોર્ટે બચાવ પક્ષને 3 દિવસનો ટાઈમ આપ્યો છે. આ માટે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો પણ રેફરન્સ કોર્ટમાં આપવામાં આવ્યો હતો. આ સાથે જ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતોને પણ કોર્ટે ધ્યાનમાં લીધી હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ કેસમાં 14 વર્ષ સુધી ચાલેલી લડત બાદ મંગળવારે ઐતિહાસિક ચુકાદા માં દેશમાં પહેલી વખત 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બોમ્બ બ્લાસ્ટની તે ઘટનામાં 20 સ્થળોએ 21 ધડાકા થયા હતા, જેમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી.