News Continuous Bureau | Mumbai
Ajit Pawar Death મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના અકાળે અવસાનથી મહારાષ્ટ્રના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. બુધવારે બારામતી એરપોર્ટ પર તેમનું વિમાન ક્રેશ થયું અને વિસ્ફોટમાં તેમનું નિધન થયું. આ ઘટનાના સાક્ષી અને તેમના બાળપણના મિત્ર કિરણ ગુજરે મીડિયા સાથેની વાતચીતમાં અજીત પવારના છેલ્લા દિવસોની માનસિક સ્થિતિ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. કિરણ ગુજરના જણાવ્યા મુજબ, અજીત પવાર છેલ્લા કેટલાક સમયથી રાજકીય આરોપ-પ્રત્યારોપ અને સતત મળી રહેલા અસફળ પ્રતિસાદથી ખૂબ જ વ્યથિત હતા.પાંચ દિવસ પહેલા જ અજીત પવારે કિરણ ગુજરને કહ્યું હતું કે, “કિરણ, હવે મને આ બધાનો કંટાળો આવ્યો છે. બસ, હવે મારે બધું છોડી દેવું છે.” બંને મિત્રો સાથે ફરવા ગયા હતા અને તે મુલાકાત દરમિયાન અજીત પવારે પોતાના મનની પીડા ઠાલવી હતી. તેમણે કહ્યું હતું કે, “હું આટલું બધું કામ કરું છું, રાત-દિવસ એક કરું છું, તો પણ કેમ લોકો મને સમજી નથી રહ્યા? મારા નસીબમાં આટલી ટીકાઓ કેમ લખાઈ છે?”
રાજકારણમાં આવવા જ તૈયાર નહોતા અજીત પવાર
ખૂબ ઓછા લોકો જાણે છે કે અજીત પવાર શરૂઆતમાં રાજકારણમાં આવવા જ માંગતા નહોતા. કિરણ ગુજરે યાદો તાજી કરતા કહ્યું કે, 1984માં જ્યારે ‘છત્રપતિ સહકારી ખાંડ કારખાના’ની ચૂંટણી હતી, ત્યારે અજીત પવારે સાફ કહી દીધું હતું કે, “મારે રાજકારણ નથી કરવું, મારે તો મારો સંસાર અને ઘર સંભાળવું છે.” જોકે, કિરણ ગુજરના આગ્રહથી તેઓ રાજકારણમાં આવ્યા અને ત્યાંથી તેમની સફર શરૂ થઈ. છેલ્લી મુલાકાતમાં તેઓ ફરી એ જ જૂના દિવસો યાદ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હવે બસ થયું.
દેવ અને આસ્થા પ્રત્યેના વિચારોમાં આવ્યો હતો બદલાવ
શરૂઆતના દિવસોમાં અજીત પવાર નાસ્તિક જેવા હતા. પિતાના વહેલા અવસાન અને પારિવારિક મુશ્કેલીઓને કારણે તેમને ભગવાન પરથી ભરોસો ઉઠી ગયો હતો. તેઓ કહેતા, “ભગવાને મારું શું કર્યું છે?” જોકે, ઉંમર અને અનુભવ સાથે તેમના સ્વભાવમાં નરમાશ આવી હતી. કિરણ ગુજરે જણાવ્યું કે, તેઓ ભગવાનમાં શ્રદ્ધા રાખતા હતા પણ અંધશ્રદ્ધામાં નહીં. તેમણે ક્યારેય પણ પોતાની આસ્થાનો ઉપયોગ રાજકારણ માટે કર્યો નહોતો.
આ સમાચાર પણ વાંચો: Colombia Plane Crash: કોલંબિયામાં ટેક-ઓફ બાદ તરત જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પહાડી વિસ્તારમાં પ્લેન ખાબકતા ૧૫ લોકોના મોતની પુષ્ટિ
મિત્રની નજર સામે જ પ્લેન ક્રેશ થયું
દુર્ઘટનાના દિવસે અજીત પવારે વિમાનમાં બેસતા પહેલા છેલ્લો ફોન કિરણ ગુજરને જ કર્યો હતો. અજીત પવારે કહ્યું હતું કે, “હું પ્લેનમાં બેસી રહ્યો છું, તું એરપોર્ટ પર લેવા આવી જજે.” કિરણ ગુજર જ્યારે તેમને લેવા માટે એરપોર્ટ પર ઉભા હતા, ત્યારે તેમની નજર સામે જ પ્લેન લેન્ડિંગ વખતે ક્રેશ થયું અને વિસ્ફોટ થયો. કિરણ ગુજરે ભારે હૈયે કહ્યું, “જ્યારે મેં અજીત દાદાના પાર્થિવ દેહને જોયો, ત્યારે મને લાગ્યું કે આ કોઈ ખરાબ સપનું છે, પણ કમનસીબે તે કડવું સત્ય હતું.”