News Continuous Bureau | Mumbai
Amrit Bharat station scheme :
* રાજ્યના ૮૭ રેલવે સ્ટેશનો ૬૩૦૩ કરોડ રૂપિયાના ખર્ચે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યા છે.
* રૂ. ૧૬૪ કરોડના ખર્ચે પુનર્વિકસિત થઈ ગયેલા ૧૮ સ્ટેશનોનું એકસાથે વર્ચ્યુઅલ લોકાર્પણ થયું.
* રાજ્યમાં ૯૭ ટકા રેલવે રૂટ વિદ્યુતકૃત થઈ ગયા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા અને સજ્જતા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને આધુનિકીકરણને પ્રાથમિકતા આપી છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના વિઝનના સંકલ્પના પરિણામે દેશને અમૃત સ્ટેશન યોજનાની ભેટ મળી છે. આ યોજનામાં દેશના ૧૩૦૦ થી વધુ સ્ટેશનોનો કાયાકલ્પ કરીને તેનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના ૮૭ સ્ટેશનોનું પણ ૬૩૦૩ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ થઈ રહ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ. ૧૬૪ કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત થઈ ગયેલા ૧૮ રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ રાજસ્થાનના બિકાનેર ખાતે આયોજીત કાર્યક્રમમાં કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમૃત સ્ટેશન યોજનામાં નવીનીકરણ થયેલા લીંબડી સ્ટેશનના લોકાર્પણ અવસરમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નવીનીકરણ કરાયેલા ગુજરાતના 18 સહિત દેશભરના 103 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું, આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કરમસદ ખાતે ઉપસ્થિત રહ્યા…#AmritBharatStationScheme pic.twitter.com/JDOamxpVDt
— Gujarat Information (@InfoGujarat) May 22, 2025
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારથી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા, સજ્જતા અને સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકીકરણને પ્રાથમિકતા આપી છે. રેલવેનો કાયાકલ્પ, સ્ટેશનોના આધુનિકીકરણ અને યાત્રી સુવિધાના નવતર આયામો આગવા વિઝન અને રાષ્ટ્રનિર્માણ માટેના સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યા છે. તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
અમૃત સ્ટેશન યોજના અન્વયે ગુજરાતના જે ૧૮ સ્ટેશનોને પુનર્વિકસિત કરવાની કામગીરી પૂર્ણ થઈ અને વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યા તેમાં શિહોર જંક્શન, ઉતરાણ, ડાકોર, ડેરોલ, હાપા, જામજોધપુર, જામવંથલી, કાનાલુસ જંકશન, કરમસદ, કોસંબા જંકશન, લીંબડી, મહુવા, મીઠાપુર, મોરબી, ઓખા, પાલીતાણા, રાજુલા જંકશન અને સામખ્યાળી સ્ટેશનનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જો લોકોની સારી સેવા કરવાની ઈચ્છાશક્તિ અને વિકાસની રાજનીતિની પ્રતિબદ્ધતા હોય તો સુશાસન દ્વારા રેલવે સેવાઓમાં કેવા ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તે વડાપ્રધાનશ્રીએ દુનિયાને બતાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે ગુજરાતને રેલવે સેવાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મળેલી ભેટની વિગતો આપતા કહ્યું કે, વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ૨૦૧૪ થી અત્યાર સુધીમાં રાજ્યમાં ૩૧૪૪ કિલોમીટર રેલવે લાઇનનું વિદ્યુતીકરણ થયું છે તે સાથે ગુજરાતમાં ૯૭ ટકા રેલવે રૂટ વિદ્યુતકૃત થઈ ગયા છે. એટલું જ નહીં, ૨૦૨૫-૨૬માં રેલવે બજેટમાં ગુજરાત માટે ૧૭,૧૫૫ કરોડ રૂપિયા ફાળવાયા છે. તે અગાઉના ૨૦૦૯ થી ૨૦૧૪ સુધીના સમયમાં ફાળવાયેલા બજેટ કરતા સરેરાશ ૨૯ ગણા છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Akash Ambani: મુંબઈ ઈન્ડિયન્સની જીત માટે આકાશ અંબાણી એ પહેલા જ લઇ લીધા હતા મહાદેવ ના આશીર્વાદ, જુઓ વિડીયો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં વડાપ્રધાનશ્રીના વિઝનથી વંદે ભારત ટ્રેનોનું જે નેટવર્ક ઊભું થયું છે તેમાં ગુજરાતને ચાર વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. તેનો ઉલ્લેખ કરતા ઉમેર્યુ કે, વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર સુધી દેશ-દુનિયાના યાત્રિકો સરળતાથી પહોંચી શકે તે માટે રેલવે સેવાઓ વિસ્તારવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ૧૮ સ્ટેશનોના પુનર્વિકાસ પછી તેનું વડાપ્રધાનશ્રી દ્વારા થયેલું લોકાર્પણ રાજ્યમાં રેલવે સુવિધાઓ અને પેસેન્જર એમેનીટીઝને વધુ સુગમ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશ હેઠળ અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત જુના રેલવે સ્ટેશનને પુનઃવિકસિત કરવામાં આવી રહ્યા છે. રેલવેમાં પણ જુદી જુદી આધુનિક સુવિધાઓ અને નવીન ટેક્નોલોજી સાથેની ટ્રેનો વિકસાવવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેનો તેનું ઉત્તમ ઉદાહરણ છે. દેશમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે ત્યારે લોકોને મુસાફરી દરમિયાન અસુવિધા ન રહે તેની દરકાર સરકાર દ્વારા લેવામાં આવી રહી છે.
લીંબડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાએ લીંબડી જેવા નાના તાલુકામાં પણ મોટા શહેર જેવી સુવિધાઓ આપવા બદલ ભારત સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ અવસરે ઉપસ્થિત સૌએ રાજસ્થાનના બિકાનેર ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત ૧૦૩ રેલવે સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રેલવે સ્ટેશન ખાતે વિકસિત અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કરી સ્ટેશન અંગેની જાણકારી પણ મેળવી હતી.
આ લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે શ્રી પી. કે. પરમાર, શ્રી પ્રકાશભાઈ વરમોરા, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી શંકરભાઈ દલવાડી, શ્રી બાબાભાઈ ભરવાડ સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ, જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડો. ગિરીશ પંડ્યા, ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવિશકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.