ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જુલાઈ ૨૦૨૧
શનિવાર
બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે પોતાના તમામ સરકારી અધિકારીઓને પોતાની સંપત્તિની યોગ્ય વિગતો સમયસર જાહેર કરવાનો આદેશ આપ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ પણ અધિકારી આ નિયમોનું પાલન નહિ કરે તો તેની વિરુદ્ધ કાયદાકીય રીતે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ FIR પણ નોંધવામાં આવશે. બિહારના મુખ્ય સચિવ ત્રિપુરારી શરણએ આ અંગે નવા નિયમો બહાર પાડ્યા છે.
નવા નિયમોમાં જણાવાયું છે કે ફેબ્રુઆરી સુધીમાં સંપત્તિની વિગતો આપવામાં નહીં આવે તો પગાર અપાશે નહિ. મુખ્ય સચિવ ત્રિપુરારી શરણએ તમામ વિભાગોના મુખ્ય સચિવ, પ્રધાન સચિવ અને પોલીસ મહાનિર્દેશકને આ બાબતે પત્ર લખી સરકારી કર્મચારીઓને સ્થાવર અને જંગમ મિલકતો ઉપરાંત ખરીદ-વેચાણની પણ માહિતી આપવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત ૨૫ માર્ચ ૨૦૨૧ના રોજ વહીવટી તંત્રે આ સંબંધિત ગાઇડલાઇન બહાર પાડી હતી. છતાં અનેક સ્તરે આ આદેશનું છડેચોક ઉલ્લંઘન થતું હતું. આ તાજેતરમાં જાહેર કરાયેલા આદેશ મુજબ સરકારી અધિકારીઓએ હવે વારસામાં મળેલ સંપત્તિ પણ દર્શાવી પડશે. પરિવારના કોઈ સભ્યના નામે જમીન, મકાન, ફ્લૅટ, ગાડી વગેરે ખરીદી હશે તો એની માહિતી પણ એક મહિનાની અંદર આપવી પડશે.
આ આદેશોનું ફેબ્રુઆરી સુધીમાં પાલન નહિ થાય તો ફેબ્રુઆરી મહિનાનો પગાર ચૂકવવામાં આવશે નહિ. ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફોજદારીનો કેસ નોંધવામાં આવશે.