ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
આંદામાન વીરોની ભૂમિ છે, અહીં સ્વાતંત્ર્યવીર સાવરકરે અંધારી કોટડીમાંથી આઝાદીની અમરતાને નવી પ્રેરણા આપી હતી. અહીં માતૃભૂમિની આઝાદી માટે સેંકડો સ્વાતંત્ર્યસેનાનીઓએ પોતાના જીવનની આહુતિ આપી હતી. આ સાથે આંદામાનની આ ધરતી પર નેતાજી સુભાષચંદ્ર બોઝે પહેલી વાર તિરંગો ફરકાવ્યો હતો. નેતાજી દ્વારા લહેરાવેલા પ્રથમ ત્રિરંગા ધ્વજની 78મી વર્ષગાંઠ અને તેમની 125મી જન્મજયંતી આંદામાન ટાપુઓ પર એક નવા સંદેશ સાથે ઊજવવામાં આવી હતી.
આંદામાન ટાપુઓ પર કાર્યરત આઝાદ હિંદ ફોજ સ્મૃતિ સમિતિએ એક ઠરાવ પાસ કર્યો છે. એ મુજબ તેમણે દરેકને ગુડ મૉર્નિંગ અને ગુડ ઇવનિંગ છોડીને જય હિંદ કહીને શુભેચ્છા પાઠવવા વિનંતી કરી છે.
પૉર્ટ બ્લેર અને આંદામાન ટાપુઓની જેલની દીવાલો આજે પણ દુનિયાને આકર્ષે છે. આ દીવાલોની દરેક ઈંટ ક્રાંતિકારીઓના બલિદાનની વાર્તા કહે છે. આંદામાન ટાપુઓની આ ઐતિહાસિક ધરતી પર નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા રચાયેલી અવિભાજિત ભારતની પ્રથમ આઝાદ હિંદ સરકારની 78મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ સરકારની રચના 21 ઑક્ટોબર, 1943ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી હતી, જેના વડા પ્રધાન ખુદ નેતાજી હતા.
આ ઐતિહાસિક દિવસને ધ્યાનમાં રાખીને આંદામાન ટાપુ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આંદામાન ટાપુઓ સમુદ્રની મધ્યમાં આવેલા નાના ટાપુઓ છે, જે ભારતને ઘેરી લે છે. જેને આકાશમાંથી જોવામાં આવે ત્યારે ભારતની પવિત્ર ભૂમિના કિનારે દીવા હોય એવું લાગે છે. 21 ઑક્ટોબરે ટાપુવાસીઓએ દીવા પ્રગટાવ્યા હતા. આ દ્વારા ટાપુ સમૂહના રહેવાસીઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજ પ્રત્યે તેમની કૃતજ્ઞતા દર્શાવી હતી.
આ ઉપરાંત ટાપુની તમામ સંસ્થાઓ અને ગામડાંઓમાં આઝાદ હિંદ ફોજનો ધ્વજ એકસાથે ફરકાવવામાં આવ્યો હતો.