ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે હાલ સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાઝેને 16 બૅગ ભરીને લગભગ સાડાચાર કરોડ રૂપિયાની કૅશ પોતાના પર્સનલ આસિસ્ટન્ટ (PA)ને આપી દેવાનું કહ્યું હોવાનો ઉલ્લેખન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પોતાની ચાર્જશીટમાં કરી છે. એક વખત સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ બહાર તો એક વખત રાજભવનની બહાર તેમણે આ આદેશ આપ્યો હોવાનું ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે. હાલમાં જ ચાર્જશીટને કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. દેશમુખના આદેશ પર સચિન વાઝે શહેરના બાર માલિકો પાસેથી ગેરકાયદે રીતે આ પૈસાની ઉઘરાણી કરતો હોવાનું પણ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે. ઈડીએ ચાર્જશીટમાં અનિલ દેશમુખના પ્રાઈવેટ સેક્રેટરી (એડિશનલ કલેકટર રેન્કના સરકારી ઓફિસર) સંજીવ પાલાંડે અને પર્સનલ આસિસટન્ટ કુંદન શિંદેનો પણ સમાવેશ કર્યો છે.
ED અનિલ દેશમુખની સાથે જ તેમના પરિવારની પણ તપાસ કરી રહી છે. એમાં તેમના નામ પર રહેલી કરોડોની સંપત્તિની પણ તપાસ કરી રહી છે. તેમના નામ પર અને પરિવારના નામ પર રહેલા એજ્યુકેશન ટ્રસ્ટ સહિત અનેક ટ્રસ્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. ગેરકાયદે રીતે બાર માલિકો પાસેથી મેળવેલી રકમ તેઓ વાયા અન્ય કંપનીઓનાં નામ પર કરાવતા હતા. આ કંપનીઓ મારફત પોતાની માલિકીના ટ્રસ્ટમાં ડૉનેશનના માધ્યમથી કરોડો રૂપિયા પાછા મેળવતા. અનિલ દેશમુખ લાંબા સમયથી EDના સમન્સથી દૂર ભાગી રહ્યા છે. તપાસ માટે બોલાવ્યા બાદ પણ તેઓ હાજર થયા નથી. ED તેમને શોધી રહી છે, પણ તેઓ હાથ લાગી નથી રહ્યા.