ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખની મુસીબતો ઘટવાની નામ લેતી નથી. 100 કરોડ રૂપિયાની કથિત વસૂલાતના આરોપોને પગલે હાલમાં કસ્ટડીમાં રહેલા ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં કોઈ રાહત મળી નથી. પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002( PMLA) કોર્ટે અનિલ દેશમુખની ડિફોલ્ટ જામીન અરજી ફગાવી દીધી છે. તેથી તેમની સમસ્યાઓ વધી શકે છે.
અનિલ દેશમુખ પર કથિત રીતે 100 કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ હતો. આ આરોપો બાદ તેમણે ગૃહમંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. અનિલ દેશમુખ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. વસૂલીના આરોપોને કારણે તેઓની મુશ્કેલીમાં વધી ગઈ હતી. બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. અનિલ દેશમુખે મની લોન્ડરિંગ કેસમાં વિશેષ PMLA કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.જોકે દેશમુખની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. કેન્દ્રીય એજન્સીના જણાવ્યા અનુસાર, એકવાર ચાર્જશીટ અને પૂરક ચાર્જશીટ દાખલ થઈ ગયા પછી 'ડિફોલ્ટ જામીન'ની કલ્પના પર વિચાર કરી શકાય નહીં. ચાર્જશીટની નોંધ લેવાનો કોર્ટનો પ્રશ્ન અપ્રસ્તુત હોવાનું જાળવી રાખીને, EDએ વિશેષ PMLA ન્યાયાધીશ આરએન રોકડે સમક્ષ દાખલ કરેલી અરજીનો વિરોધ કર્યો હતો.