Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો

Anmol Bishnoi 'અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે' બાબા સિદ્દીકી હત્યા

News Continuous Bureau | Mumbai

Anmol Bishnoi ભારતના સૌથી મોટા વોન્ટેડ ગેંગસ્ટરોમાંના એક અનમોલ બિશ્નોઈને અમેરિકાથી પ્રત્યાર્પિત કરવામાં આવ્યો છે અને તેને આજે ભારત લાવવામાં આવી રહ્યો છે. આજે અનમોલની ફ્લાઇટ દિલ્હી પહોંચશે, ત્યારબાદ તેને કસ્ટડીમાં લઈને અનેક હત્યાના કેસોમાં પૂછપરછ કરવાની યોજના છે. અનમોલ બિશ્નોઈ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ છે અને તેની સામે મર્ડર અને ખંડણી સહિત ઓછામાં ઓછા 18 કેસ નોંધાયેલા છે. આ કેસોમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસનો પણ સમાવેશ થાય છે. અનમોલ ઘણા વર્ષો પછી ભારત આવી રહ્યો હોવાથી પંજાબના ફાઝિલ્કામાં રહેતો તેનો પરિવાર ચિંતિત છે.

પરિવાર દ્વારા અનમોલની સુરક્ષા વધારવાની માગ

અનમોલ બિશ્નોઈના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈએ પોતાના ભાઈને લઈને મુખ્ય ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જો અનમોલને ભારત લાવવામાં આવી રહ્યો છે, તો તે બાળકને સુરક્ષા પણ આપવામાં આવે અને તેની સુરક્ષા વધારવામાં આવે. તેમણે ન્યૂઝમાં જોયેલી માહિતીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અનમોલના દુશ્મન ગેંગસ્ટરોના બે-ત્રણ ગ્રુપ બની ગયા છે. તેથી, તેમના પરિવારને ચિંતા છે કે અનમોલને કોઈ મોટું નુકસાન ન પહોંચે. રમેશ બિશ્નોઈએ વધુમાં જણાવ્યું કે, તેમનો પરિવાર હંમેશા કાયદાનું સન્માન કરતો આવ્યો છે અને કાયદાનું પાલન કરનારા લોકો છે. કાયદો પોતાનું કામ કરશે, જેનો તેઓ હંમેશા આદર કરશે.

‘બાબા સિદ્દીકી કે સિદ્ધુ મૂસેવાલાનું મર્ડર અનમોલ ન કરાવી શકે’

અનમોલ બિશ્નોઈના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈએ ભારપૂર્વક દાવો કર્યો કે અનમોલ સંપૂર્ણપણે નિર્દોષ છે. તેમને લાગે છે કે અનમોલને માત્ર લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ હોવાની સજા મળી રહી છે. તેમણે જણાવ્યું કે તેમનો સમાજ અહિંસાનો પૂજારી રહ્યો છે. આવી સ્થિતિમાં, કોઈ મર્ડર કેસમાં અનમોલનું નામ આવે તે વાત માનવા તેઓ તૈયાર નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, બાબા સિદ્દીકી કે સિદ્ધુ મૂસેવાલાનું મર્ડર અનમોલ કરાવી શકે નહીં. તેમના પરિવારનો આવો કોઈ રેકોર્ડ નથી, કેમ કે તેમનો પરિવાર સંતોનો પરિવાર છે.

આ સમાચાર પણ વાંચો : Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ

પૂછપરછ પછી સત્ય સામે આવશે

રમેશ બિશ્નોઈએ સ્વીકાર્યું કે તેમનો પરિવાર એ માની શકે નહીં કે કોઈના હત્યાકાંડમાં અનમોલનો હાથ હોઈ શકે છે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી કે અનમોલ ભારતમાં આવ્યા પછી તેની પૂછપરછ કરવામાં આવશે, ત્યારે સત્ય સામે આવશે જ. તેમણે કહ્યું, “ઘણીવાર એવું બને છે કે કરવાવાળા લોકો અને હોય છે અને ફસાય કોઈ બીજું જાય છે.” આ મામલો તપાસનો વિષય છે. અનમોલ પર મુંબઈમાં થયેલા બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય આરોપીઓમાંના એક હોવાનો આરોપ છે.