ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
બૉલિવુડની ફિલ્મોમાં તથા વેબસિરીઝમાં કામ અપાવવાનું સપનું, સારી નોકરી અપાવવાની લાલચ બતાવી મહિલાઓને મોટા પ્રમાણમાં વેશ્યાવ્યવસાયમાં ધકેલવામાં આવી રહી છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (NCRB)ના અહેવાલમાં આ ચોંકાવાનારી વિગત બહાર આવી છે. NCRBએ જાહેર કરેલા આંકડા મુજબ ગયા વર્ષ દરમિયાન રાજ્યમાંથી 60 સગીર વયની છોકરીઓ સહિત 551 મહિલાઓનો છુટકારો કરવામાં આવ્યો હતો. આમાંથી 541 મહિલાઓને વેશ્યાવ્યવસાયમાં ધકેલવા માટે તેમને ફસાવવામાં આવી હતી.
NCRBએ 2020માં જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં માનવ તસ્કરીના 1,651 ગુના નોંધાયા હતા, એમાં 4,709 મહિલા અને યુવતીઓને ફસાવવામાં આવી હતી. ચોંકાવનારી વિગત એ છે કે સૌથી વધુ માનવ તસ્કરીના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. રાજ્યમાં 44 સગીર વયની છોકરીઓ સહિત 550 મહિલાઓની તસ્કરી થઈ હોવાની નોંધ છે. વિવિધ કાર્યવાહી દરમિયાન 551 મહિલાઓને બચાવી લેવામાં આવી હતી. એમાં 521 ભારતીય મહિલા સહિત 4 નેપાળની અને 16 બાંગ્લાદેશી મહિલાનો સમાવેશ થાય છે. એમાંથી 541 મહિલાઓને વેશ્યાવ્યવસાયમાં ધકેલવા ફસાવવામાં આવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે NCRBએ જાહેર કરેલા આંકડા મુજબ 2018માં માનવ તસ્કરીના 311, 2019ની સાલમાં 282 તો 2020માં 184 કેસ નોંધાયા હતા.