ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
મહાવિકાસ આઘાડીના એક પછી એક નેતાઓની પાછળ સરકારી એજેન્સીઓ હાથ ધોઈને પાછળ પડી ગઈ છે, જેમાં અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે રાષ્ટ્રવાદીના નેતા નવાબ મલિકની મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ધરપકડ કરી છે ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નવાબ મલિક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કડક વલણ અપનાવવું જોઈએ. તેમણે શરદ પવાર સામે ઝૂકવું ન જોઈએ. જો ઉદ્ધવ ઠાકરે મક્કમ વલણ અપનાવશે તો ભાજપ કોઈપણ ખચકાટ કે કોઈપણ શરત વિના ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાને ટેકો આપશે, એવો સૂફીયાણી સલાહ ભાજપના ધારાસભ્ય આશિષ શેલારે આપી છે.
એક પત્રકાર પરિષદમાં નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથેના કથિત સંબંધો પર ટિપ્પણી કરતી વખતે આશિષ શેલારે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ દેશ માટે ઊભા થવું જોઈએ. દાઉદ ગેંગના જે લોકો અને રાજકારણીઓ તેમની સાથે કનેક્શન ધરાવે છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. શરદ પવારના દબાણનો શિકાર ન થવાની સલાહ પણ તેમણે મુખ્ય પ્રધાન ઠાકરેને આપી હતી.
શિવસેનાના આ નગરસેવક અને તેમની ધારાસભ્ય પત્નીની મુશ્કેલીઓ વધી શકે છે, ઈન્કમટેક્સના હાથે ચઢ્યા મહત્વના પુરાવા.. જાણો વિગત
આ દરમિયાન શેલારે નવાબ મલિકને કેબિનેટમાંથી હટાવવાની માંગણી પણ કરી હતી અને કહ્યું હતું કે મહાવિકાસગાડીમાં ત્રણમાંથી બે પક્ષો હારી ગયા છે. તેથી અમારી અપેક્ષા ઉદ્ધવ ઠાકરે પાસેથી જ છે. આવનારા સત્રમાં ઉદ્ધવ ઠાકરે નવાબ મલિક પર વાત કરશે. અમે તેમનામાં વિશ્વાસ કરીએ છીએ. જો ઉદ્ધવ ઠાકરે નવાબ મલિક સામે પગલાં લેવાની ભૂમિકા લેશે તો ભાજપ તેમને સંપૂર્ણ સમર્થન આપશે, એવી જાહેરાત પણ આશિષ શેલારે કરી હતી.
આશિષ શેલારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે નવાબ મલિકની ધરપકડ રાજકીય રીતે પ્રેરિત હોવાનો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રકરણમાં પહેલો કેસ 2017માં, બીજો કેસ 2019માં અને ત્રીજો કેસ 3 ફેબ્રુઆરી, 2022ના રોજ નોંધાયો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દાઉદ, છોટા શકીલ, જાવેદ ચિકના અને ટાઈગર મેમણ વિરુદ્ધ FIR નોંધી હતી. આ પછી ED અને NIA દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી હતી.