ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
એક મહિલા પોલીસ અધિકારી પુણેની એક પ્રખ્યાત હોટલમાંથી મફતમાં બિરયાની મગાવી હતી. તેણે તેના કર્મચારી સાથે ફોન પર કરેલી વાતચીત હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે. પુણેમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) તરીકે ફરજ બજાવતી આ અધિકારીથી કંટાળી કર્મચારીએ સીધી પોલીસ મહાનિર્દેશક સમક્ષ ફરિયાદ નોંધાવી છે. કર્મચારીએ આ સંદર્ભે પત્ર લખી અને મેડમના મફત બિરયાની ઓર્ડર કરવાની વાત કરે છે તે ઓડિયો ક્લિપ પણ પોલીસ મહાનિર્દેશકને મોકલી છે.
આ ઓડિયો ક્લિપમાં સંભળાય છે કે મેડમે કર્મચારીને તમામ ખોરાક મફતમાં લાવવા માટે કહી રહ્યા છે. આ ઓડિયો ક્લિપ પાંચ મિનિટ લાંબી છે. તેમાં, મેડમ કર્મચારીને પૂછે છે કે પુણેમાં શ્રેષ્ઠ માંસાહારી ખોરાક ક્યાં મળશે? ત્યારે કર્મચારીએ કહ્યું હતું કે અમે હંમેશા પૈસા ચૂકવીએ જ છીએ. તેના પર મહિલા અધિકારી જવાબ આપ્યો હતો કે શું પોતાના વિસ્તારની હોટલોમાં પણ પોલીસે પૈસા ચૂકવવા પડશે?
ઉલ્લેખનીય છે કે હવે આ સંદર્ભે રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વળશે-પાટીલે તપાસના આદેશ આપ્યા છે અને પુણે પોલીસના કમિશનર અમિતાભ ગુપ્તાને રીપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે. આ મામલે હવે પુણે સાયબર સેલ ઓડિયોની પ્રમાણિકતા તપાસશે.