News Continuous Bureau | Mumbai
- ૧૭૮ આયુર્વેદ અને ૧૧૨ હોમીયોપેથીના મળીને કુલ ૨૯૦ લાભાર્થીઓએ નિ:શુલ્ક સારવાર મેળવી: ૩૧૨ લોકો યોગ નિદર્શનમાં જોડાયા
Ayush Mela: જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી-સુરત દ્વારા પલસાણાની જે.એચ.દેસાઈ પોલિટેકનિક કોલેજ ખાતે ૧૧મો જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો હતો. લોકો વધુમાં વધુ આયુર્વેદ અને હોમીયોપેથી સારવાર પદ્ધત્તિ તરફ વળે એ હેતુથી યોજાયેલા આયુષ મેળામાં ૧૭૮ આયુર્વેદ અને ૧૧૨ હોમીયોપેથીના મળીને કુલ ૨૯૦ લાભાર્થીએ સારવાર અને ૩૧૨ લોકોએ યોગ નિદર્શનનો લાભ મેળવ્યો હતો.

આયુષ કેમ્પમાં વિવિધ નિષ્ણાતો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ તથા વિવિધ રોગોમાં લાભકારી પંચકર્મ ચિકિત્સા અંગે માર્ગદર્શન અને ગુણકારી ઔષધો દ્વારા સારવાર કરવામાં આવી હતી. સાથે આયુર્વેદ અને હોમિયોપથી પદ્ધતિથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાયરોઈડ, ચામડીના રોગો, સ્થૂળતા, સાયટિકા જેવા લાઈફ સ્ટાઈલને લગતા રોગો તેમજ વૃદ્ધાવસ્થાજન્ય રોગો, માનસિક રોગો, વિશેષત: બાળકોના પોષણજન્ય રોગો, સ્ત્રી રોગો, પાચનતંત્રના જુના રોગો અંગે વિવિધ તજજ્ઞો દ્વારા સચોટ નિદાન અને સારવાર કરાઈ હતી.
સાથે જ સાંધાના તેમજ સ્નાયુના રોગો માટે મર્મ ચિકિત્સા, અગ્નિકર્મ ચિકિત્સા,યોગ દ્વારા વિશેષ સારવાર કરવામાં આવી હતી. તેમજ મિલેટ્સ, દિનચર્યા-ઋતુચર્યા, યોગ્ય આહાર, યોગ અને વનૌષધી પ્રદર્શન યોજાયું હતું.

આ સમાચાર પણ વાંચો: CM Yogi: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ‘કુંભવાણી’ અને ‘કુંભ મંગલ ધ્વનિ’ એફએમ ચેનલનો શુભારંભ કરાવ્યો
આ પ્રસંગે આરોગ્ય સમિતિ અધ્યક્ષ રોશનભાઈ પટેલ, પલસાણાના તા.પં.પ્રમુખ યોગેશભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રીમતિ દિવ્યાબેન દેસાઈ, જિલ્લા આયુષ અધિકારી ડો. કાજલબેન મઢીકર, તા.પં.સભ્ય સંદીપભાઈ રાઠોડ, પલસાણાના સરપંચ પ્રવીણભાઈ આહીર, પલસાણા કોલેજના આચાર્ય ડૉ.વિકાસભાઈ પટેલ સહિત આયુષ તજજ્ઞોની ટીમ ઉપસ્થિત રહી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
