ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
જમ્મુ-કાશ્મીરમાં ગાયની કતલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશોના ઇતિહાસમાં પહેલીવાર આવો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય વહીવટીતંત્રે આ સંદર્ભે એક આદેશ જાહેર કર્યો છે. આ આદેશ મુજબ પ્રથમ વખત ઈદ-ઉલ-અઝા એટલે કે બકરી ઇદ પર ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશની રચના બાદ જમ્મુ-કાશ્મીર પ્રશાસને આ ઐતિહાસિક આદેશ બહાર પડ્યો છે.
આ હુકમ હેઠળ બકરી ઈદ પર ગૌ, ઊંટ અને અન્ય પ્રાણીઓની હત્યા કરવા અથવા ગેરકાયદેસર રીતે બલિ ચઢાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વર્ષે 21 થી 23 જુલાઇની વચ્ચે બકરી ઇદનો તહેવાર છે. જમ્મુ કાશ્મીરમાં આ પ્રસંગે મોટી સંખ્યામાં ગાયોનું બલિદાન આપવામાં આવતું હતું. પશુ કલ્યાણ બોર્ડે રાજ્યના વહીવટીતંત્રને ગૌ અને અન્ય પ્રાણીઓની સંભવિત હત્યા અંગે યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી હતી. બોર્ડે આ માંગ એનિમલ પ્રોટેક્શન એક્ટ 1960, ટ્રાન્સપોર્ટ ઓફ એનિમલ વેલ્ફેર એક્ટ 1978 અને પશુ સુરક્ષા સંબંધિત અન્ય કાયદાઓને ટાંકીને કરી હતી.
તેના આદેશમાં વહીવટીતંત્રે કહ્યું છે કે જે લોકો આ હુકમનું પાલન કરશે નહીં તેઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વહીવટી તંત્રના આ આદેશથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિવાદ થવાની સંભાવના છે. ખાસ કરીને કાશ્મીરમાં મુસ્લિમોની વસ્તી વધુ હોવાને કારણે આ આદેશ અંગે સંઘર્ષ થવાની સંભાવના છે. બકરી ઇદના તહેવાર પર દર વર્ષે સેંકડો પ્રાણીઓની હત્યા કરવામાં આવે છે, પરંતુ હવે તેના પર અચાનક પ્રતિબંધ હોવાને કારણે તેમની નારાજગી વધી શકે છે.