ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના સહિત તેના નવા વેરિયન્યટ ઓમીક્રોનના સતત કેસ વધી રહ્યા છે. ગુરુવારે ઓમીક્રોનના કેસની સંખ્યા 450 ઉપર અને કોરોનાના સાડા પાંચ હજાર કેસ નોંધાયા હતા. તેમાં પાછું થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ હોવા છતાં ભીડની થવાની શક્યતા છે. તેથી રાજ્ય સરકારે કોરોનાને લગતા નવા નવા નિયમો ગુરુવારે મોડી રાતે જાહેર કર્યા હતા, જે 31 ડિસેમ્બરના મધરાતથી અમલમાં આવશે.
નવા નિયમ મુજબ બંધ હોલ અથવા ખુલ્લી જગ્યામાં ફક્ત 50 લોકોને હાજર રહેવાની મંજૂરી હશે. તે મુજબ તમામ પ્રકારના સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમ તે પછી બંધ હોલ હોય કે ખુલ્લી જગ્યા હોય તેમાં ફક્ત 50 લોકોને હાજર રહેવાની મંજૂરી હશે. તો અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકોને હાજર રહેવાની મંજૂરી હશે.
વધતા જતા કોરોનાના ચેપને કારણે પર્યટન સ્થળ, દરિયા કિનારા, ખુલ્લા મેદાન જેવા સ્થળો માટે 144ની કલમ લગાવી દેવામાં આવી છે. તેથી આ સ્થળો પર પાંચથી વધુ લોકોના એક સાથે જમા થવા પર પ્રતિબંધ રહેશે. એટલું જ નહીં કોરોનાનો પ્રભાવ જે રીતે વધી રહ્યો છે, તેને જોતા આગામી દિવસમાં વધુ આકરા પ્રતિબંધ લાદવાની ચેતવણી પણ હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ આપી છે.