ન્યુઝ કંટીન્યૂઝ.
મુંબઈના ઉપનગર બોરીવલી ખાતે આવેલા સુપ્રસિધ્ધ શોપિંગ સેન્ટર ' ઇન્દ્રપ્રસ્થ' માં શુક્રવારે અડધી રાત્રે મોટી આગ લાગી. કહેવાય છે કે રાત્રે અઢી વાગ્યાની આસપાસ આગ લાગી. કહેવાય છે કે આ આગમાં ઇન્દ્રપ્રસ્થ નું બેઝમેન્ટ પૂરી રીતે બળીને ખાખ થઇ ગયું છે. અહીં મોટાભાગે મોબાઇલની દુકાનો હતી. જેમાં મોબાઈલ બેટરી, મોબાઇલ રીપેરીંગ, નવા મોબાઈલ તેમજ સ્પેરપાર્ટ નું કામ ચાલતું હતું. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, રાત્રે 3 વાગીને પાંચ મિનિટે ફાયરબ્રિગેડમાં કોલ આવ્યો. ત્યારબાદ 3 વાગીને 17 મિનિટે ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. ત્યારબાદ આગને કાબૂમાં લેવા માટે કુલ ૧૧ ફાયર ફાઈટર, 14 વોટર ટેન્કર, બે ફાયર વિકહીલ, એક ફાયર રોબોટ અને અન્ય સામગ્રીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓએ જેસીબીની મદદ લેવી પડી. જેસીબી એ બેઝમેન્ટ ની આસપાસ આવેલી ગ્રીલ ને તોડી નાખી. સૌથી મોટી સમસ્યા એ વાતની છે કે બેઝમેન્ટ ની બહાર આવેલી બારીઓમાંથી મોટાપાયે ધૂમાડો બહાર આવી રહ્યો છે. આથી વિન્ડ બ્લોવરની પણ મદદ લેવામાં આવી છે. અગ્નિ તાંડવ આખી રાત ચાલ્યું છે. તેમજ ધુમાડા નું સામ્રાજ્ય આખેઆખા શોપિંગ સેન્ટરમાં ફેલાઈ ગયું છે.તદુપરાંત કહેવાય છે કે બેઝમેન્ટ થી આગળ વધીને આગ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર માં જવાની કોશિશ કરી રહી હતી. જોકે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર માં વધુ નુકસાન થયું હોય તેવા કોઈ સમાચાર 7:00 વાગ્યા સુધી પ્રાપ્ત થયા નથી.
ફાયરબ્રિગેડના કર્મચારીઓનો ઘટનાસ્થળ પર મોજુદ છે અને ફાયર ફાઈટિંગ નું કામ હજી ચાલુ છે.