ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022,
શનિવાર
મુંબઈ, થાણે સહિત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. ત્યાં તો હવે થાણે જિલ્લાના શાહપુર તાલુકના વેહલોલી ખાતે બર્ડ ફ્લૂનો ચેપ ફાટી નીકળ્યો છે. બર્ડ ફ્લૂના પ્રકોપની પૃષ્ઠભૂમિ પર આ વિસ્તારના એક કિલોમીટરના આજુબાજુના વિસ્તારને ચેપી વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
થાણે જિલ્લામાં બીજે ક્યાંય બર્ડ ફ્લૂ નોંધાયો નથી અને વહીવટીતંત્ર રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે. નાગરિકોએ ગભરાવું નહીં, તેવી અપીલ પશુપાલન ખાતા દ્વારા કરવામાં આવી છે.
થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં 17 ફેબ્રુઆરી, 2022 સુધી 300 મરઘીઓ અને નવ બતકમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે. નમૂનાઓ પરીક્ષણ માટે ભોપાલ ખાતેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇ સિક્યોરિટી વેટરનરી મેડિસિનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સકારાત્મક અહેવાલ બાદ, સરકારે ગઈકાલે સત્તાવાર રીતે થાણેના આ વિસ્તારને "ચેપગ્રસ્ત વિસ્તાર" જાહેર કર્યો છે.
થાણે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધના આદેશનો અમલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રતિબંધો અનુસાર, વેહલોલીમાં બર્ડ ફ્લૂ ફાટી નીકળ્યાના એક કિલોમીટરની અંદરની તમામ મરઘીઓનો નાશ કરવામાં આવી રહ્યો છે. ટીમની દેખરેખ હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 23,428 મરઘીઓ, 1,603 ઈંડા, 3,800 કિલો ખોરાક અને 100 કિલો છીપનો નાશ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે, પશુપાલન કમિશ્નરેટે 17મી ફેબ્રુઆરીએ તમામ જિલ્લાઓમાં પ્રાદેશિક સંસ્થાઓને સતર્ક રહેવા અને નજીકથી નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે.
દરમિયાન બર્ડ ફ્લૂના પ્રકોપને પગલે તમામ પોલ્ટ્રી માલિકો અને નાગરિકોને નોટિસ ફટકારવામાં આવી છે. જો રાજ્યના કોઈપણ ગામડાઓમાં કાગડા, પોપટ, બગલા કે યાયાવર પક્ષીઓ મૃત હાલતમાં જોવા મળે અથવા કોમર્શિયલ પોલ્ટ્રી ફાર્મમાં મૃત પક્ષીઓની સંખ્યા સામાન્ય કરતાં વધુ જોવા મળે તો તાત્કાલિક નજીકની પશુ દવાખાનાને જાણ કરવાની અપીલ પણ પશુપાલન કમિશનરેટે કરી છે. આ ઉપરાંત પશુપાલન કમિશનરેટના ટોલ ફ્રી નંબર 18002330418 અને કમિશનર ઓફ એનિમલ હસબન્ડરીના કોલ સેન્ટર 1962 પર કોલ કરવા સૂચના આપવામાં આવી છે.