ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં માસ્ટર સ્ટ્રૉક માર્યો છે જેને કારણે આખેઆખી શિવસેના હલી ગઈ છે. વાત એમ છે કે શિવસેના, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી અને કૉન્ગ્રેસ પાર્ટી અત્યારે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર ચલાવી રહી છે. આ પરિસ્થિતિમાં આગામી ચૂંટણી ત્રણેય જણ સાથે મળીને લડે તો નવાઈ નહીં એવી અટકળો વહેતી થઈ હતી. જોકે આવું થાય તો શિવસેનાની હાલત શું થઈ શકે છે એનો અણસાર હવે ભાજપના ચેકમેટ દાવથી સ્પષ્ટ થયો છે.
મહારાષ્ટ્રના નાંદેડ વિસ્તારમાં દેગ્લુર વિધાનસભા ક્ષેત્ર પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા કૉન્ગ્રેસના ધારાસભ્યનું કોરોનાને કારણે નિધન થયું છે. હવે તેમની સીટ પર તેમના પુત્ર અને કૉન્ગ્રેસ પાર્ટીએ જ્યારે ટિકિટ આપી છે ત્યારે આ સીટ પરથી ધારાસભ્ય રહી ચૂકેલા એવા શિવસેનાના નેતા સુભાષ સાબણેને ભારતીય જનતા પાર્ટીએ પ્રવેશની સાથે જ ટિકિટ આપી દીધી છે. ભારતીય જનતા પાર્ટીના માસ્ટરસ્ટ્રૉકને કારણે આખેઆખી શિવસેના હલી ઊઠી છે. હવે તો આવનારા દિવસમાં શિવસેના કૉન્ગ્રેસ પાર્ટીને સપોર્ટ કરશે તો આખેઆખી શિવસેના પાર્ટી ખાલી થઈ જશે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.