ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જુલાઈ ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષ પ્રસાદ લાડે શિવસેનાની હાંસી ઉડાવતા નિવેદન આપ્યું છે કે શિવસેનામાં વાધ બચ્યા જ નથી, તો વન વિભાગની શું જરૂર છે? હાલમાં જ શિવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવે કહ્યું હતું કે વન ખાતું કોંગ્રેસને આપી અને વિધાનસભાના અધ્યક્ષનું પદ શિવસેના પોતાની પાસે રાખવું જોઈએ. હવે આ મામલે પ્રસાદ લાડે શિવસેનાની ઠેકડી ઉડાવી છે.
પ્રસાદ લાડે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યું હું કે “શિવસેના હવે કોંગ્રેસ અને એનસીપી પાસે ગીરવી મુકાઈ છે. હવે તેનો વાઘ ખતમ થઈ ગયો છે. તેથી શિવસેનાને વન વિભાગની જરૂર નથી.” આવા શબ્દોમાં લાડે શિવસેનાની ટીકા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે આખો પક્ષ જ ગીરવી મુકાયો હોવાથી એનસીપીના અધ્યક્ષ શરદ પાવર કહે તે જ શિવસેના સંભાળે છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ વન પ્રધાન સંજય રાઠોડનો ભાજપે ભાંડાફોડ કર્યા બાદ તેમણે ફેબ્રુઆરીમાં રાજીનામું આપવું પડ્યું હતું. તેથી આ પદ હજી સુધી ખાલી પડ્યું છે. આ બાબતે પત્રકારના સવાલ પર ભાજપના ઉપાધ્યક્ષે આવા ઉપહાસગર્ભ શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી.