ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
જનાધાર વધારવાના હેતુથી ભાજપના અનેક પ્રધાનો પોતપોતાનાં રાજ્યોમાં જન આશીર્વાદ યાત્રાઓ કાઢી રહ્યા છે, પરંતુ હવે આ યાત્રાઓ વિવાદમાં ઘેરાયેલી નજરે પડી રહી છે. મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લામાં કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયું હતું. એ યાત્રામાં એક ઘોડો પણ ભાજપના રંગથી રંગાયેલો જોવા મળ્યો હતો. હકીકતમાં ઇન્દોરના ભૂતપૂર્વ કૉર્પોરેટર અને ઇન્દોર શહેર ભાજપના નેતા રામદાસ ગર્ગે સિંધિયાની જન આશીર્વાદ યાત્રા માટે ઘોડાને ભાડેથી લીધો હતો અને એને ભગવા રંગથી રંગી નાખ્યો હતો. આ ઘોડાને આગળની તરફ કેસરી અને પાછળની તરફ લીલા રંગે રંગવામાં આવ્યો હતો. વચ્ચેના ભાગે ભાજપનું ચૂંટણી ચિહ્ન કમળ ચીતરવામાં આવ્યું હતું.
ભાજપના નેતા કિરીટ સોમૈયા ની ગાડી પર હુમલો, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ. જુઓ વિડિયો, જાણો વિગત
સિંધિયાની જન આશીર્વાદ યાત્રા વખતે કાર્યકરોમાં એ ઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, પરંતુ ભાજપના રંગથી રંગાયેલા ઘોડાના કારણે આયોજકો વિવાદમાં ઘેરાયા છે. ઘોડાને ભગવા રંગથી રંગવામાં આવતા કેટલાક લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી અને જ્યોતિરાદિત્ય સિંધિયાની જન આશીર્વાદ યાત્રાના સંચાલકો વિરુદ્ધ ઇન્દોરના સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનમાં આયોજકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રચારના હેતુથી ગેરકાયદે રીતે પ્રાણીઓનો ઉપયોગ કરવા બદલ પીપલ ફોર ઍનિમલ નામની સંસ્થાએ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થાનાં સ્થાપક, ભાજપનાં જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપનાં સાંસદ મેનકા ગાંધી છે. આ સંગઠનના સ્થાનિક કાર્યકરોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની સાથોસાથ આ મુદ્દે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાની તજવીજ પણ શરૂ કરી હતી.