ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
ભારતીય જનતા પાર્ટીએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરનાર સ્વપ્નીલ લોનકરના પરિવારને મોટી રાહત આપી છે, હકીકતમાં સ્વપ્નીલ લોનકર નામના 24 વર્ષીય યુવકે MPSCની પરીક્ષા પાસ થવા છતાં નોકરી મેળવવામાં નિષ્ફળ જતાં આત્મહત્યા કરી હતી. આ કેસ બાદ, MPSCના વિદ્યાર્થીઓનો પ્રશ્ન રાજ્ય સરકારના ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. વળી આત્મહત્યા કરતાં પહેલાં સ્વપ્નીલે પોતાની વ્યથા પત્રમાં લખી હતી અને તે દેવામાં હોવાનું બહાર આવ્યું હતું. હવે ભાજપે સ્વપ્નીલ લોનકરના પરિવાર પરના દેવાના બોજને હળવો કરી દીધો છે. ભાજપે લોનકર પરિવારને 19.96 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે.
વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા નાના કાર્યક્રમમાં વિધાનસભાના વિપક્ષી નેતા પ્રવીણ દરેકર દ્વારા સ્વપ્નીલના પિતા સુનીલ તાત્યાબા લોનકરને એક ચેક આપ્યો હતો. લોનકર શિવશંકર રૂરલ નૉન-ઍગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ઋણી હતા. લોનકર પરિવારે એવી આશાએ લોન લીધી હતી કે તેમનો દીકરો થોડા સમયમાં નોકરી મેળવીને લોન પરત આપી દેશે. દુર્ભાગ્યવશ એમ થયું ન હતું અને સ્વપ્નીલે હતાશ થઈ આઘાતજનક પગલું ભર્યું હતું. લોનકર પરિવારની દુર્દશાને સમજ્યા પછી, ભાજપે તેઓને તાત્કાલિક મદદ કરવાનું નક્કી કર્યું. તદનુસાર, આજે પાર્ટીએ ક્રેડિટ યુનિયનની લોન ચૂકવવા માટે લોનકર પરિવારને જરૂરી રકમ આપી હતી.
આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેઓ સ્વપનીલની ખોટ પૂરી કરી શકશે નહીં. જોકે ભારતીય જનતા પાર્ટી તરફથી આ એક નાનો પ્રયાસ હતો. ભારતીય જનતા પાર્ટી ભવિષ્યમાં પણ સ્વપ્નીલના પરિવારની પાછળ મજબૂત રીતે ઊભી રહેશે. આ પ્રસંગે વિધાન પરિષદના વિપક્ષી નેતાઓ પ્રવીણ દરેકર, ગિરીશ મહાજન, ગોપીચંદ પાડલકર, મંગેશ ચવ્હાણ અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
સ્વપ્નીલ લોનકરે વર્ષ 2019 ની પ્રિલીમ અને MPSCની મુખ્ય પરીક્ષા પાસ કરી હતી. જોકે પાસ થયાના દોઢ વર્ષ પછી પણ તેને નોકરી મળી ન હતી. એ પછી 2020 માં પણ તેણે MPSC ની પરીક્ષા આપી હતી. તેણે પ્રિલીમ પરીક્ષા પાસ કરી. જોકે કોરોનાને કારણે, મુખ્ય પરીક્ષા યોજાઈ ન હતી. આ બધું ક્યારે થશે અને ક્યારે નોકરી મળશે? આ તણાવને કારણે સ્વપ્નીલે ગત 29મી જૂને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે એક સુસાઇડ નોટમાં MPSCની જાળમાં ન આવવાની અપીલ પણ કરી હતી.