ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૧ મે ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઉપમુખ્યમંત્રી અજિત પવાર તેમજ માનક સભ્યોની હાજરીમાં મુંબઈ મેટ્રોના ટ્રાયલ રન નો શુભઆરંભ આજથી થઈ ગયો છે. બીજી તરફ કાંદિવલીના આકુર્લી રોડ ખાતે ગજબની બેચેની જોવા મળી. અહીં ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરે કાર્યકર્તા સાથે વિરોધ પ્રદર્શન આયોજન કર્યું હતું અને કાર્યકર્તાઓ બેનર ઝંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમજ મુખ્યમંત્રીના આ કાર્યક્રમનો સખત વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આરે ખાતે મેટ્રો કારશેડ ન બનાવી કાંજુરમાર્ગ સ્થળાંતર કરવાના નિર્ણયને કારણે પ્રોજેક્ટન કિંમત આઠ હજાર જેટલી વધી ગઈ છે. માજી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સમયે કેન્દ્ર સરકારની મદદથી મેટ્રો નું કામ ઝડપથી પૂરું થઈ રહ્યું હતું. આ મેટ્રો પ્રોજક્ટના કામને બ્રેક મારવાનું કામ ઠાકરે સરકારે કર્યું. હવે ફડણવીસના પ્રોજેક્ટનો જશ ખાટવા માટે લાખો રૂપિયાની જાહેરાતો કરી ટ્રાયલ રનનું તેઓ ઉદ્ઘાટન કરી રહ્યા છે.
ધારાસભ્ય અતુલ ભાતખળકરે જણાવ્યું હતું કે ઠાકરે સરકારે આરેથી કારડેપો અન્યત્ર લઈ જવાનો નિર્ણય કર્યો ખરો, પણ નવો કારશેડ ક્યાં કરવો એનો નિર્ણય હજી સુધી લઈ શકી નથી. આરેમાં ડેપો થયો હોત તો આજે કોલાબ-સિપ્ઝ મેટ્રો દોડતી જોઈ શક્યા હોત, પણ ઠાકરે સરકારની જીદને કારણે હજી ટ્રાયલ રન લેવાનો જ વારો આવ્યો છે.
કોરોનાની વિકટ પરિસ્થિતિમાં મેટ્રો ઉદ્ઘાટનનો લેઝર શો કરવો, મેટ્રો સ્ટેશનની સાજસજાવટ કરવી અને પ્રસાર માધ્યમોમાં કાર્યક્રમની જાહેરાતો માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવા કરતાં આ પૈસા કોરોનામાં આર્થિક રીતે તકલીફમાં રહેલી જનતા માટે વાપર્યા હોત તો? એવો સવાલ પણ વિધાનસભ્ય ભાતખલકરે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સરકારના વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓએ આકુર્લી મેટ્રો સ્ટેશન બહાર પોસ્ટરો બતાવી જોરદાર નારાબાજી કરી હતી. આ દરમિયાન પોલીસે ધારાસભ્ય ભાતખળકર સહિત ભાજપના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.