ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે વિવાદાસ્પદ નિવેદન કરનારા મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ ફરી એકવાર મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેથી તેઓ ફરી ભાજપના રડાર પર આવી ગયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે તો એટલે સુધી કહી દીધું કે નાના પટોલે માનસિક દર્દી હોઈ તેમને ડોકટરોને નિરીક્ષણ હેઠળ મુકવાની આવશ્યકતા છે.
થોડા દિવસ પહેલા નાના પટોલેએ એક જાહેર સભામાં વિવાદસ્દ નિવેદન આપતા કહ્યું હતું કે, "હું મોદીને શ્રાપ આપી શકું છું, હું તેમને મારી શકું છું." જેને લઈને ભારે હોબાળો થયો હતો. ભાજપે સમગ્ર રાજ્યભર નાના પટોલેના ફોટાના વિરોધમાં 'જોડે માર' આંદોલન કર્યું હતું. ભારે વિવાદ થતા નાના પટોલેએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે મારું નિવેદન મોદી નામના ગેંગસ્ટરને સંબોધીને હતું. થોડા દિવસ બાદ મોદી નામનો ગુંડો આગળ આવ્યો હતો અને તેણે પોતાનું નિવેદન પણ આપ્યું હતું કે લોકો તેમને મોદી કહે છે કારણ કે તેમણે તેમની પત્નીને છોડી દીધી છે.
મોદી નામના કહેવાતા આ ગુંડા નિવેદનનો આધાર લઈને નાના પટોલેએ ફરી એકવાર વડા પ્રધાન મોદી માટે આપત્તિજનક નિવેદન આપ્યું છે કે "જે પોતાની પત્નીને છોડી દે છે તે મોદી છે," તેને પગલે નાના પટોલે ફરી એક વખત ભાજપના નિશાના પર આવી ગયા છે.
નાના પટોલે ફરી બફાટ કરતા મહારાષ્ટ્રના ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે તેમની ટીકા કરતા કહ્યું હતું કે 'નાના પટોલેના શરીરમાં કંઈક ગરબડ હશે. તેમને ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવા જોઈએ. તેની માનસિક અને શારીરિક તપાસ થવી જોઈએ. પટોલે વડાપ્રધાન પદ પર બેઠેલા વ્યક્તિ વિશે વાત કરીને પ્રસિદ્ધિ મેળવવાની તેમની પાર્ટીની નીતિનો અમલ કરે છે? એવો સવાલ પણ પાટીલે કર્યો હતો અને કહ્યું હતું કે રાજકારણનું સ્તર કેટલું નીચે ગયું છે.
