ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021
સોમવાર
કર્ણાટકના મરાઠી ભાષી ગામ બેલગામની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી છે. આ ચૂંટણી પર કર્ણાટક સહિત પૂરા મહારાષ્ટ્રની નજર હતી. બપોર સુધીના રિઝલ્ટમાં ભાજપે 29નો બહુમતીનો આંકડો પ્રાપ્ત કરી લીધો હતો. ભાજપે આ ચૂંટણી જીતવા માટે રાતદિવસ એક કરી નાખ્યાં હતાં. એટલે સુધી કે ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો હતો. ભાજપના વિજયને કારણે જોકે બેલગામ મનપા પર ભગવો લહેરાવાનું મહારાષ્ટ્ર એકીકરણ સમિતિનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.
આ ચૂંટણીમાં મતદાન ઓછું થયું હોવાથી સૌ કોઈની નજર રિઝલ્ટ પર હતી. 8 વર્ષ બાદ બેલગામ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ છે. 3 સપ્ટેમ્બરના મતદાન થયું હતું. 6 સપ્ટેમ્બર સોમવારના મતગણતરી હતી. ચૂંટણીમાં આ વખતે પહેલી વખત રાષ્ટ્રીય પાર્ટી કૉન્ગ્રેસ અને ભાજપ મેદાનમાં ઊતરી હતી. મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના ઉમેદવારોએ ભાજપ અને કૉન્ગ્રેસ બંનેના ઉમેદવારને સખત લડત આપી હતી. છતાં ભાજપને બહુમતીએ મત મેળવવામાં સફળતા મળી છે. ભાજપને મળેલી બહુમતીને કારણે જોકે શિવસેનાનું ટેન્શન વધી ગયું છે. બાળ ઠાકરે હયાત હતા ત્યારથી શિવસેના હંમેશાંથી બેલગામને મહારાષ્ટ્રમાં ભેળવી દેવા પર ભાર આપી રહ્યું છે. તેમ જ બેલગામના મરાઠીભાષીઓ માટે લડત લડી રહી છે. તેવામાં સ્થાનિક રહેવાસીઓએ પાલિકાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર એકીકરણ સમિતિને બદલે ભાજપ પર પસંદગી ઉતારતાં શિવસેના ચોંકી ગઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે બેલગામને લઈને મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. બૉમ્બે સ્ટેટ અંતર્ગત આવતા બેલગામ અને 10 તહસીલને મૈસૂર સ્ટેટમાં જોડી દેવામાં આવ્યા હતા. એની સામે મરાઠી ભાષી બેલગામ વર્ષોથી વિરોધ કરી રહ્યું છે. બેલગામને શરૂઆતથી મહારાષ્ટ્રમાં જોડવાની માગણી થઈ રહી હતી. કારણકે ત્યાં મરાઠી ભાષી વધુ છે. મહારાષ્ટ્ર કર્ણાટકના 814 ગામને પોતાના રાજ્યમાં જોડવાની માગણી કરતું આવ્યું છે, જેમાં મોટા ભાગનાં મરાઠીભાષી ગામ છે, જેનો કર્ણાટક સરકાર વિરોધ કરતી આવી છે.