News Continuous Bureau | Mumbai
Eknath Shinde મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની મુદત આવતીકાલે (૩૦ ડિસેમ્બર) પૂર્ણ થઈ રહી છે. અત્યાર સુધી ભાજપે ૬૬ અને ઉદ્ધવ ઠાકરે જૂથે ૧૦૦ થી વધુ ઉમેદવારોને એબી ફોર્મ આપી દીધા છે, પરંતુ એકનાથ શિંદેની શિવસેનામાં હજુ પણ મડાગાંઠ યથાવત છે. મહાયુતિમાં બેઠકોની વહેંચણીમાં શિંદે જૂથની ‘ગળચી દાબવામાં’ આવી રહી હોવાની ચર્ચા કાર્યકરોમાં શરૂ થઈ છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાન ‘વર્ષા’ પર મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ ફાઈનલ લિસ્ટ બહાર આવ્યું નથી.
બેઠકોની વહેંચણીમાં વિવાદ
એકનાથ શિંદે મુંબઈમાં ૧૨૫ બેઠકો માટે આગ્રહી હતા. જોકે, ભાજપ દ્વારા તેમને માત્ર ૮૦ થી ૮૭ બેઠકો જ આપવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ બેઠકોના ઘટાડાને કારણે શિંદે જૂથના અનેક પૂર્વ નગરસેવકો અને કાર્યકરોના પત્તાં કપાઈ શકે છે, જેના કારણે પક્ષમાં આંતરિક બળવો થવાની ભીતિ સેવાઈ રહી છે.
ભાજપની સ્પીડથી વધ્યું ટેન્શન
ભાજપે નીલ સોમૈયા, તેજસ્વી ઘોસાળકર અને રવિ રાજા જેવા દિગ્ગજોને એબી ફોર્મ આપીને મેદાનમાં ઉતારી દીધા છે. ભાજપના ઉમેદવારોએ પ્રચાર અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. તેની સામે શિંદે જૂથના ઉમેદવારો હજુ પણ એ વાતની રાહ જોઈ રહ્યા છે કે તેમનો વોર્ડ મિત્ર પક્ષ (ભાજપ) પાસે જશે કે તેમની પાસે રહેશે. આ અનિશ્ચિતતાને કારણે પ્રચાર કાર્ય ખોરવાઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
આજે રાત્રે ફોર્મ વિતરણની શક્યતા
વર્ષા બંગલે ચાલી રહેલી બેઠકોમાં દરેક વોર્ડના સમીકરણો તપાસવામાં આવી રહ્યા છે. શક્યતા છે કે આજે મોડી રાત સુધીમાં પસંદગીના ઉમેદવારોને બોલાવીને સીધા જ એબી ફોર્મ સોંપવામાં આવશે. જોકે, આ વિલંબને કારણે જે કાર્યકરોને ટિકિટ નહીં મળે, તેઓ છેલ્લી ઘડીએ બળવો કરીને અપક્ષ અથવા અન્ય પક્ષમાં જોડાઈ શકે છે, જે શિંદે જૂથ માટે મોટો પડકાર બની શકે છે.
