News Continuous Bureau | Mumbai
BMC Election 2026 મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી હવે માત્ર સ્થાનિક કાઉન્સિલરો ચૂંટવા પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ તે ‘બ્રાન્ડ ઠાકરે’ના અસ્તિત્વની સૌથી મોટી અગ્નિપરીક્ષા બની ગઈ છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, મુંબઈની કુલ 227 બેઠકોમાંથી 87 બેઠકો એવી છે જ્યાં ઠાકરે ભાઈઓ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે સીધી ટક્કર છે. આ ગઠબંધન અને જંગમાં સૌથી મહત્વની વાત એ છે કે દાયકાઓ પછી ઉદ્ધવ અને રાજ ઠાકરે પોતાના મતભેદો બાજુ પર મૂકીને ‘માતોશ્રી’નો વારસો બચાવવા એકસાથે આવ્યા છે.
બેઠકોનું ગણિત: ક્યાં કોની વચ્ચે છે સીધી ટક્કર?
મુંબઈની બેઠકો પર આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, પરંતુ મુખ્ય ફોકસ મરાઠી બહુલ વિસ્તારો પર છે. આંકડાકીય વિશ્લેષણ મુજબ મુકાબલો નીચે મુજબ છે:
શિવસેના-UBT વિરુદ્ધ શિંદે સેના: 69 બેઠકો
MNS વિરુદ્ધ શિંદે સેના: 18 બેઠકો
શિવસેના-UBT વિરુદ્ધ ભાજપ: 97 બેઠકો લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ જૂથનું પ્રદર્શન શિંદે જૂથ કરતા ચડિયાતું રહ્યું હતું, જે આ વખતે પણ શિંદે છાવણી માટે ચિંતાનો વિષય છે.
‘મરાઠી અસ્મિતા’ વિરુદ્ધ ‘હિન્દુત્વ’નો એજન્ડા
ઉદ્ધવ અને રાજ ઠાકરેના એકસાથે આવવાથી શિવસેના (UBT) ની પાયાની તાકાત બમણી થઈ ગઈ છે. તેમનો સંપૂર્ણ ભાર ‘મરાઠી માણસ’ અને ‘મરાઠી અસ્મિતા’ પર છે. બીજી તરફ, ભાજપ અને શિંદે સેનાએ આ પ્રાદેશિક ગૌરવના મુદ્દાને કાપવા માટે ‘હિન્દુત્વ’ની પિચ તૈયાર કરી છે. શિંદે જૂથનો દાવો છે કે તેઓ જ બાળાસાહેબ ઠાકરેના સાચા હિન્દુત્વને આગળ વધારી રહ્યા છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ સાથે જઈને વિચારધારા સાથે સમાધાન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Trump: વેનેઝુએલા પર અમેરિકાના બીજા લશ્કરી હુમલાનો ખતરો: ટ્રમ્પે આપી નવી ચેતવણી, કહી આવી વાત
મરાઠી મતોનું ધ્રુવીકરણ અને ભાવિ વ્યૂહરચના
મુંબઈમાં વર્ષોથી શિવસેનાનો દબદબો રહ્યો છે, પરંતુ શિવસેનામાં પડેલા ભાગલા બાદ મરાઠી મતોનું વિભાજન થવાની શક્યતા છે. રાજ ઠાકરેના પ્રખર વક્તા હોવાનો ફાયદો ઉદ્ધવ જૂથને મળી શકે છે. જોકે, શિંદે સેના પણ સરકારી યોજનાઓ અને વિકાસનામુદ્દાઓ સાથે મેદાનમાં છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ 87 બેઠકોના પરિણામો જ નક્કી કરશે કે મહારાષ્ટ્રના રાજકારણમાં અસલી ‘ઠાકરે’ વારસો કોની પાસે રહેશે.
