ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનનુ કામ ચાલુ થયું ત્યારથી કોઈને કોઈ વિઘ્ન તેને આડે આવી રહ્યું છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે લગભગ 75 ટકા જમીનનું સંપાદન થઈ ગયું છે. જોકે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને કારણે બુલેટ ટ્રેનનું કામ ખોરવાઈ ગયું હતું. હવે જોકે થાણે અને પાલઘર જિલ્લામાં જમીનના સંપાદનને આડે રહેલી અડચણો દૂર ગઈ છે. જમીન માલિકો જમીન આપવા તૈયાર થઈ ગયા છે. તેની સામે હવે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) પાલઘરના આદિવાસી જિલ્લામાં જમીનના માલિકોને વધારાનું 25 ટકા બોનસ ચુકવવા માટે તૈયાર થઈ ગઈ છે.
પાલઘર જિલ્લામાં 180 હેકટર જમીન ખાનગી માલિકો પાસેથી લેવાની છે, તેમાંથી અત્યાર સુધી માત્ર 30 ટકા હેકટર જમીનનું સંપાદન સીધી ખરીદી દ્વારા કરવામાં સફળતા મળી છે. ખાસ કરીને આદિવાસી જિલ્લા ગણાતા તલાસરી, પાલઘર અને દહાણુમા જમીનને આપવાને મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. તેથી હવે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને ફરજિયાત રીતે જમીન સંપાદન કરવાનો નિર્ણય લીધો છે. જો જમીન જબરદસ્તીથી સંપાદન કરવી પડી તો ડીસ્ટ્રીક્ટ કમીટી એક્વાયઝેશન લેન્ડ દ્વારા નક્કી કરાયેલી રકમના 25 ટકા ઓછું વળતર મળશે.
જો સીધી રીતે એટલે કે જમીનના માલિક વિરોધ વગર સીધુ જ જમીન સોંપી દેશે તો તેમને તેના બદલામાં હવે 25 ટકા વળતર મળશે એવુ કલેકટર ડો.માણિક ગુરસાલે મીડિયાને કહ્યું હતું
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના દાવા મુજબ જમીન સંપાદનમાં થયેલા વિલંબ ને પગલે હવે મુંબઈ-અમદાવાદ વચ્ચે પહેલી કોર્મશિયલ બુલેટ ટ્રેન 2026 સુધી દોડે એવી શક્યતા છે.