ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
14 ઓક્ટોબર 2020
મુંબઈ-મહારાષ્ટ્ર અને દેશભરના વાલીઓ શાળાની ફી મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે. એવા સમયે કોલકાતા હાઈકોર્ટે વિદ્યાર્થીઓને રાહત થાય એવો આદેશ શાળાઓને આપ્યો છે.
કોવિડ -19 અને લોકડાઉન દરમિયાન આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા કેટલાક પરિવારોને રાહત આપતા કલકત્તા હાઈકોર્ટે તમામ ખાનગી શાળાઓને તેમની ટ્યુશન ફીમાં 20 ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટનો આદેશ રાજ્યની તમામ બિન-સરકારી, સહાય મેળવતી શાળાઓ માટે બંધનકર્તા રહેશે અને આ આદેશ વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માટેના 2019- 20 ના સત્ર માટે લાગુ કરવામાં આવશે.
કોલકાતા અને આજુબાજુની 145 શાળાઓના વાલી મંચ દ્વારા જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી હતી, જેમાંથી ઘણાએ તેમની આર્થિક મુશ્કેલીઓ અંગે શાળા સંચાલકોનો સંપર્ક કર્યો હતો.
આ ઉપરાંત, કોર્ટે કહ્યું કે 2019-2020 ની માત્ર 80% ટ્યુશન ફી લેવાની રહેશે. રોગચાળાના આ સમયગાળા દરમિયાન પ્રયોગશાળા ફી, રમતગમતની ફી અને પિકનીક ફી જેવા ઓવરહેડ ખર્ચો લઇ શકાશે નહીં. ટૂંકમાં, શાળાઓ બિન શૈક્ષણિક ફી લઈ શકતી નથી. રોગચાળાના સમયગાળા માટે માત્ર 5 ટકા જ નફાની આવક લઇ શકાશે
લોકોને નોકરી ધંધા મંદ પડવાને કારણે ઘણા બધા નુકસાન થયા છે અને વર્ગો ઓનલાઇન થતા હોવાથી અનેક શાળાઓના વાલીઓએ શાળા ફી ઘટાડવા અંગે મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો. ફી નો વધુ ભાર એવા પરિવારો પર પડે છે જ્યાં એક કરતા વધારે બાળકો હોય છે અને ઘણી શાળાઓએ આવા પરિબળો ધ્યાનમાં લીધા નથી કારણ કે તેઓએ દલીલ કરી હતી કે શિક્ષકોના પગારની ચુકવણી તો કરવી જ પડે છે.
માતાપિતાએ દલીલ કરી હતી કે વિદ્યાર્થીઓ શાળામાં ન આવતા હોવાથી સંપૂર્ણ ફી વસૂલવી ન જોઇએ, જ્યારે શાળાઓએ દલીલ કરી હતી કે તેઓએ તેમના સ્ટાફને ચૂકવણી કરવી ફરજિયાત છે.