ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
બૉમ્બે હાઈકોર્ટે ગુરુવારે મહારાષ્ટ્ર સરકારને સવાલ કર્યો છે કે જુનિયર કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે કૉમન એન્ટરન્સ ટેસ્ટ (CET) આપતા CBSE અને ICSEના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ જુદો-જુદો હશે કે કેમ? રાજ્યને એમ પણ પૂછવામાં આવ્યું છે કે જો કોઈ અલગ અભ્યાસક્રમ ન અપનાવી શકાય, તો ફક્ત CET આપનારા વિદ્યાર્થીઓને પ્રવેશપ્રક્રિયામાં પ્રાધાન્ય આપવાની શરત પાછી ખેંચી શકાય છે કે કેમ?
ન્યાયમૂર્તિ આર. ડી. ધનુકા અને ન્યાયાધીશ આર. આઇ. ચગલાની ડિવિઝન બેન્ચ, મુંબઈની ICSE બોર્ડની વિદ્યાર્થિની અનન્યા પટકી દ્વારા દાખલ રીટ અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં રાજ્ય સરકારના 28મી મેના જાહેરનામાને રદ કરવાની માગ વિદ્યાર્થિની વતી કરવામાં આવી હતી. આ જાહેરનામામાં જણાવાયું હતું કે અગિયારમા ધોરણમાં પ્રવેશ CETના આધારે થશે, જે સંપૂર્ણ રીતે SSC બોર્ડના અભ્યાસક્રમ પર આધારિત હશે.
ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે નોંધ્યું હતું કે આ મામલે હાલ કોઈ સ્ટે આપવામાં આવશે નહિ અને આગામી સુનાવણી ૨૮ જુલાઈએ હાથ ધરાશે. ઉપરાંત સરકારનો પક્ષ રજૂ કરતા વકીલ એચ. કંથારિયાને હાઈકોર્ટે CBSE અને ICSEના વિદ્યાર્થીઓ માટે અલગ અભ્યાસક્રમ હોઈ શકે છે કે કેમ એ અંગે સરકારનો પક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.