ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 ડિસેમ્બર 2020
સીબીઆઈએ હવે તેમના પોતાના જ અધિકારીઓ વિરુદ્ધ તપાસના આદેશો પ્રાપ્ત થયા બાદ તેના પોતાના અધિકારીઓ સામે કડક પગલાં લેવાની ફરજ પડી છે. તમિળનાડુમાં સીબીઆઈએ દરોડામાં આશરે 45 કરોડ રૂપિયાનું 103 કિલોથી વધુનું સોનું જપ્ત કર્યું હતું. આ સોનાને સીબીઆઈની 'સલામત કસ્ટડી'માં રાખવામાં આવ્યું હતું, જે હવે ગાયબ થઈ ગયું છે. મદ્રાસ હાઈકોર્ટે તમિળનાડુ સીબી-સીઆઈડીને આ કેસની તપાસ માટે આદેશ આપ્યો છે.
આપને જણાવી દઈએ કે સીબીઆઈની ટીમે વર્ષ 2012 માં ચેન્નાઇમાં 'સુરાના કોર્પોરેશન લિમિટેડ'ની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સીબીઆઈએ સોનાની ઇંટો અને ઘરેણાંના રૂપમાં 400.5 કિલો સોનું જપ્ત કર્યું હતું. જપ્ત કરેલું સોનું સીલ કરી સીબીઆઈની સલામત કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે જપ્ત કરેલા સોનામાંથી 103 કિલોથી વધુનું સોનું ગાયબ છે.
આ મુદ્દે સીબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેણે સેફવોલ્ટની 72 ચાવી ચેન્નઈની મુખ્ય અદાલતને સોંપી છે. સાથે સીબીઆઈએ દાવો કર્યો પણ હતો કે જપ્તી દરમિયાન સોનાનું વજન એકત્રિત કરવામાં આવ્યું હતું. પરંતુ એસબીઆઈ અને સુરાના વચ્ચે લોન કેસના નિકાલ માટે નિયુક્ત લિક્વિડેટરને સોંપતી વખતે વજનમાં તફાવત આવ્યો છે અને આ જ વજનના ઘટનું કારણ છે. બાકી કોઈ હેરફેર થઈ નથી.
જસ્ટીસ પ્રકાશે સીબીઆઈની અરજીને ફગાવી દીધી અને એસપી રેન્કના અધિકારીની અધ્યક્ષતામાં આ કેસમાં સીબી-સીઆઈડી તપાસના આદેશ આપ્યા હતા. તેમજ 6 મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવા નિર્દેશ પણ આપ્યો છે.. હવે નવી તપાસમાં સોનુ ગાયબ થવાનું કે ઘટ આવવાનું શુ કારણ છે તે રિપોર્ટ બાદ જ સામે આવશે.
