ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
30 જાન્યુઆરી 2021
તામિલનાડુની રાજધાની ચેન્નઇમાં ઓટો ડ્રાઇવરની પ્રામાણિકતાએ દરેકનું હૃદય જીતી લીધું. હકીકતમાં ચેન્નાઈની બાજુમાં આવેલા ક્રોમપેટના નિવાસી બિઝનેસમેન બુધવારે સાંજે એક રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ 20 લાખ રૂપિયાની સોનાના દાગીનાથી ભરેલી એક બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. જોકે, તેમને કલાકોમાં જ આ ઘરેણા પરત મળી ગયા હતા. રિક્ષા ચાલકની ઇમાનદારીને કારણે વ્યક્તિને તેમના ઘરેણા પરત મળી ગયા હતા. પોલીસે આ રિક્ષાવાળાનું સન્માન કર્યું હતું. ઘરેણા ગુમ થયા બાદ બિઝનેસમેન એ પોલીસ ફરિયાદનોંધાવી હતી. જોકે, પોલીસ રિક્ષાવાળાને ત્યાં પહોંચી તે પહેલા રિક્ષાવાળો ઘરેણાનો થેલો લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને બેગ માલિકને પરત સોંપી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે ક્રોમપેટ ખાતે લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ બિઝનેસમેન રિક્ષામાં સવાર થઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. તેની પાસે એક બેગમાં સોનાના ઘરેણા હતા. મુસાફરી દરમિયાન તેઓ સતત ફોન પર વાતચીત કરી રહ્યા હતા. તેઓ પોતાના ઘરે ઉતરી ગયા હતા, જે બાદમાં રીક્ષા ચાલક ભાડું લઈને ત્યાંથી નીકળી ગયો હતો. થોડા સમય પછી રિક્ષા ચાલકે જોયું તો પાછળની સીટ પર એક બેગ પડ્યું હતું. રિક્ષા ચાલક વિચારમાં પડી ગયો કે આ બેગ પરત કેવી રીતે કરશે. કારણ કે તેની પાસે મુસાફરી કરનાર બિઝનેસમેનનો નંબર ન હતો.
તો બીજી તરફ સોનાના ઘરેણા ભરેલી બેગ ન મળતા બિઝનેસમેન અને તેમના પરિવારજનોપરેશાન થઈ ગયા હતા. કારણ કે તેમણે તેમની દીકરીને સાસરે વળાવવાની હતી. આથી તેમણે તાત્કાલિક આ મામલે ક્રોમપેટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી. પરંતુ, તેમને રિક્ષાનો રજિસ્ટ્રેશન નંબર યાદ ન હતો. પોલીસે ફરિયાદ દાખલ કરીને બિઝનેસમેન જે જે રસ્તેથી રિક્ષામાં નીકળ્યા હતા તેના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસને માલુમ પડ્યું હતું કે આ વાહન રીક્ષા ચાલકના બહેનના નામે નોંધાયેલું છે. જોકે, પોલીસ ટીમ રીક્ષા ચાલક પાસે પહોંચે તે પહેલા જ તે સોનાના દાગીનાથી ભરેલી સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ડ્રાઇવરે સોનાના દાગીનાથી ભરેલી બિઝનેસમેનને પરત કરી દીધી હતી.
પોલીસે આ રિક્ષા ચાલકનું સન્માન કર્યું હતું. આ ક્ષણે રિક્ષા ડ્રાઇવરે જણાવ્યું હતું કે, સોનાના દાગીનાથી ભરેલી બેગ જોઈને હું ગભરાઈ ગયો હતો. હું જાણું છું કે હું મરીશ ત્યાં સુધી મારી પ્રમાણિકતા મારી મદદ કરશે. મેં ક્યારેય મારા મુસાફર પાસેથી વધારાનો ચાર્જ પણ નથી લીધો તો આ બેગ કેવી રીતે રાખી શકું? ત્યારે પોલીસે જણાવ્યું હતું કે, આજકાલ આવા પ્રામાણિક માણસો મળવા ખુબ મુશ્કેલ છે. બીજાઓને પણ તેની પાસેથી શીખવાની જરૂર છે.
