ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ઓમિક્રોન ઉપરાંત, કોરોના સંક્રમણના કેસ પણ સતત વધી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.
દેશમાં વધી રહેલી કોરોનાની સ્થિતિ પર સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. વડાપ્રધાન સાંજે 4.30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મુદ્દે ચર્ચા કરશે. જો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ચર્ચામાં ભાગ લેશે નહીં.
વડાપ્રધાનની આજની બેઠકમાં મુખ્યમંત્રી હાજર નહીં રહે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ સ્વાસ્થ્યના કારણોસર હાજર રહી શકશે નહીં. જોકે આ બેઠકમાં આરોગ્ય મંત્રી રાજેશ ટોપે અને ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની સ્થિતિ, આરોગ્ય માળખા માટે ચાલી રહેલી તૈયારીઓ, દેશમાં રસીકરણ અભિયાનની સ્થિતિ, ઓમેક્રોનના વધતા વ્યાપની સમીક્ષા કરવા માટે રવિવારે વડાપ્રધાનની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, તેમણે જિલ્લા સ્તરે પર્યાપ્ત આરોગ્ય માળખાની ખાતરી કરવા અને મિશન મોડ પર પુખ્ત વયના લોકો માટે રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા અપીલ કરી હતી.