ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જૂન 2021
ગુરુવાર
દુનિયા 21મી સદીમાં પહોંચી ગઈ છે, ત્યારે શરમજનક કહેવાય એમ આઝાદીનાં 74 વર્ષો બાદ પણ મુંબઈની નજીકના દહાણુના કોસેસરી ગામનાં બાળકોને શાળામાં જવા જાનના જોખમે હોડીનો પ્રવાસ કરવો પડે છે. કોસેસરી ગામમાં સૂર્યા નદી પર પૂલ નહીં હોવાથી એક કિનારેથી બીજા કિનારે 600 મીટરના અંતરે આવેલી સ્કૂલમાં જવા માટે બાળકો હોડીનો ઉપયોગ કરે છે. નદીનો કિનારો પાર કરવા માટે ગામના જ વડીલોએ લાકડાની ટેમ્પરરી કહેવાય એવી બોટ બનાવી છે, એ પણ હલેસાથી ચાલી શકે એમ નથી. એથી એક કિનારાથી બીજા કિનારા સુધી દોરડું બાંધવામાં આવ્યું છે. બોટમાં બેસીને આ દોરડાને ખેંચીને એક કિનારેથી બીજા કિનારે જવું પડે છે.
ચોમાસા દરમિયાન ભારે વરસાદ હોય ત્યારે તો હોડીમાં જવું વધુ જોખમી હોય છે. છતાં આવી પરિસ્થિતિમાં પણ બાળકો શાળાએ જઈ રહ્યાં છે. વિકાસના નામે લોકોને વર્ષો સુધી મૂર્ખ બનાવનારી સરકારના નફ્ફટ અધિકારીઓને કાને હજી સુધી આ ફરિયાદ સંભળાતી નથી.