ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના લીધે લોકો ને ખુબ ટ્રાફિક ની સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો તેવું ખાસ સમય થી ચાલી રહ્યું છે. મેટ્રો રેલ પ્રોજેક્ટના લાઇન-1 અંતર્ગત ચોકબજારથી કાપોદ્રા સુધીના 7.02 કિમી લાંબા અન્ડરગ્રાઉન્ડ રૂટમાં શરૂઆતમાં 6 સ્ટેશન બનાવવા મુખ્ય માર્ગો 1 વર્ષ માટે બંધ તથા ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. મેટ્રો પ્રોજેક્ટ લઇને પહેલાથી જ સુરત શહેરની અંદર ખાડાનું ખોદકામ કરવામાં આવ્યું હતું. સમસ્યા ઉભી થઈ રહી છે કે કામ તો શરૂ થઈ જાય છે પરંતુ તેને ઝડપથી પૂર્ણ કરવાની માનસિકતા ન હોવાને કારણે હેરાનગતિ વધી જાય છે.
કાદરશાની નાળથી ચોક બજાર, રાજમાર્ગ, લંબે હનુમાન રોડ સુધીનો 7.02 કિમી રૂટ પર પ્રથમ ફેઝનું કામ શરૂ થયું છે. સુરતના હાર્દ સમાન આ વિસ્તારની અંદર ડ્રાઇવર્ઝનો આપવાને કારણે સ્થિતિ ખૂબ જ બદતર થઈ રહી હોય તેવું લાગે છે. હજી તો શરૂઆત છે પરંતુ લાંબા સમય સુધી આ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી થશે ત્યારે લોકો માટે આ પ્રોજેક્ટ માથાનો દુખાવો બની જશે. વાહનચાલકો માટે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવું એક મોટો પડકાર સમાન બની રહેશે.
કાપોદ્રા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ મિયાણીએ જણાવ્યું કે મેટ્રો પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ છે પરંતુ એની સાથે લોકોની હાલાકીની પણ શરૂઆત થઈ ગઈ હોય એવું હું અંગત રીતે માનું છું. આ માનવા પાછળનું કારણ એ છે કે અમદાવાદ ખાતે જ્યારે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ હતી તે વિસ્તારની અંદર હું ઘણી વખત ગયો છું લાંબા સમય સુધી લોકોને ખૂબ મુશ્કેલી થઈ હતી. એવી જ સ્થિતિ સુરત શહેરમાં પણ થશે. પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે પરંતુ એનો અંત ક્યારે આવશે તેની કોઈને ખબર નથી. શાસકો જે નિયત સમય આવશે એમાં પૂર્ણ થવાનો નથી આપણને ખ્યાલ છે તે આપણે માનસિક રીતે આ હાલાકી ભોગવવી માટે તૈયાર થઈ જવું પડશે. મેટ્રોનો પ્રોજેક્ટ એવા વ્યસ્ત વિસ્તારોમાંથી પસાર થઇ રહ્યો છે કે જેને કારણે શહેરભરના વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વખત આવે તેવી શક્યતા હતી. આજે જે પ્રકારે લંબે હનુમાન રોડથી વરાછા વિસ્તારની અંદર ટ્રાફિકજામ થયો તે જોતા આગામી દિવસમાં સુરત શહેરના ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠશે.
લંબે હનુમાન પોલીસ ચોકીથી ડાઇવર્ઝન આપવાને કારણે વરાછા મેઇન રોડ આયુર્વેદિક કોલેજ લાલ દરવાજા તરફનો રસ્તો ઉપયોગમાં વાહનચાલકો લઇ રહ્યા છે. પરિણામે જબરજસ્ત વાહનોનો ધસારો એક જ રૂટ ઉપર વધી ગયો છે. બપોરના સમયે પણ જો ટ્રાફિકની સ્થિતિ જોવા મળતી હોય તો સાંજે આ વિસ્તારોમાં શું હાલત થશે તે ખરેખર જોવા જેવી છે. અતિવ્યસ્ત માર્ગોને કારણે હવે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ખુબ લાંબા સમય માટે કાર્યરત રહેશે ત્યારે ટ્રાફિકમાંથી સુરતને કોણ બચાવશે તે એક મોટો પ્રશ્ન છે.