ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને એકીબીજા સાથે દીઠું બનતું નથી. રાજકારણમાં તેઓ એકબીજાના જાની દુશ્મન ગણાય છે. છતાં 9 ઑક્ટોબરના કોંકણના ચીપી ઍરપૉર્ટના ઉદ્ઘાટન પ્રસંગે બંને નેતાઓ એક જ મંચ પર જોવા મળશે. ઉદ્ધવ ઠાકરેના હસ્તે આ ઍરપૉર્ટનું ઉદ્ઘાટન થવાનું છે.
કોંકણના ચીપી ઍરપૉર્ટનું શ્રેય લેવા માટે ઠાકરે અને રાણે વચ્ચે હોડ જામી છે. થોડા દિવસ પહેલાં જ ઍરપૉર્ટના ઉદ્ઘઘાટનને લઈને નારાયણ રાણે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને બોલાવાની આવશ્યકતા છે. જોકે પ્રોટોકોલને હિસાબે રાજ્યના મુખ્ય પ્રધાનની હાજરી કાર્યક્રમમાં હોવી આવશ્યક છે તેમ જ તેમના હસ્તે જ ઍરપૉર્ટનું ઉદ્ઘાટન પણ થવાનું છે. આ કાર્યક્રમમાં નાગરિક ઉડ્ડયનપ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, મહેસૂલપ્રધાન બાળ થોરાત, ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈ સહિતના પ્રધાનો હાજર રહેવાના છે.
અહીં ઉલ્લેખનીય છે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે વચ્ચે ભારે વેર છે. એમાં પણ થોડા દિવસ પહેલાં નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાનું વિવાદાસ્પદ વિધાન કર્યું હતું. એ મુદ્દે ભારે બબાલ થઈ હતી, એમાં રાજ્યમાં નારાયણ સામે અનેક જગ્યાએ કેસ નોંધાયા હતા. આ પ્રકરણમા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે જ્યારે ઍરપૉર્ટના ઉદ્ઘાટન પ્રસંગે બંનેનો સામસામે સામનો થવાનો છે ત્યારે બંને એકબીજા સાથે કેવી રીતે વર્તે છે એના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.