News Continuous Bureau | Mumbai
CM Yogi Adityanath ઉત્તર પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે ગૃહમાં માહોલ ત્યારે ગરમાયો જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ‘કફ સિરપ’ ના મુદ્દે સમાજવાદી પાર્ટી (સપા) પર આકરા પ્રહારો કર્યા. સપા ધારાસભ્યો દ્વારા કફ સિરપથી થતા મોતના મુદ્દે ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ આપતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, ગુનેગારો સામે સમય આવ્યે બુલડોઝર પણ ચાલશે અને તે સમયે વિપક્ષે બૂમો પાડવી જોઈએ નહીં.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સપાના આરોપો પર પલટવાર કરતા કહ્યું કે, વિપક્ષે પૂરો અભ્યાસ કરીને ગૃહમાં આવવું જોઈએ. તેમણે નેતા પ્રતિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, “ચોરની દાઢીમાં તણખલું” જેવી સ્થિતિ છે. યોગીએ સ્પષ્ટ કર્યું કે ઉત્તર પ્રદેશમાં કોડીન કફ સિરપથી કોઈ મોત થયા નથી અને જે કેસ સામે આવ્યા છે તે અન્ય રાજ્યોના છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ ૨૦૧૬માં સપા સરકાર દરમિયાન જ આના મોટા હોલસેલરને લાયસન્સ આપવામાં આવ્યું હતું.
‘દેશમાં બે નમૂના છે…’ યોગીનો અખિલેશ પર કટાક્ષ
ચર્ચા દરમિયાન સીએમ યોગીએ અખિલેશ યાદવનું નામ લીધા વગર કટાક્ષ કર્યો કે, “દેશની અંદર બે નમૂના છે, એક દિલ્હીમાં અને એક લખનૌમાં બેસે છે. જ્યારે દેશમાં કોઈ ગંભીર ચર્ચા થાય છે ત્યારે તેઓ દેશ છોડીને ભાગી જાય છે.” તેમણે કહ્યું કે સપાના નેતા ફરી ઈંગ્લેન્ડ ફરવા ઉપડી જશે અને તમે લોકો અહીં બૂમો પાડતા રહેશો. યોગીએ સપા નેતાઓને સત્ય સ્વીકારવાની સલાહ પણ આપી હતી.
NDPS એક્ટ હેઠળ નોંધાશે ગુના
નકલી અને નશીલી દવાઓના વેપાર પર સરકારની કડક નીતિનો ઉલ્લેખ કરતા યોગીએ કહ્યું કે, કોડીન સિરપના ગેરકાયદેસર કારોબારને રોકવા માટે સરકારે હાઈકોર્ટમાં કાયદાકીય લડાઈ જીતી લીધી છે. હવે આ મામલામાં NDPS એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવશે. તેમણે માહિતી આપી કે ઉત્તર પ્રદેશમાં આ સિરપનું ઉત્પાદન થતું નથી, અહીં માત્ર તેના સ્ટોકિસ્ટ છે અને સરકાર સમયાંતરે દરોડા પાડીને કાર્યવાહી કરતી રહે છે.
આ સમાચાર પણ વાંચો : India New Zealand: વેપાર ક્ષેત્રે ભારતની મોટી છલાંગ! ન્યુઝીલેન્ડ સાથે FTA કરાર કન્ફર્મ, પીએમ મોદી અને લક્સન વચ્ચેની મંત્રણા બાદ ભારત માટે ખુલશે તકોના દ્વાર.
સપા નેતાના એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શનનો આરોપ
મુખ્યમંત્રીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, આ મામલામાં જેટલી ઊંડાઈમાં જઈએ એટલું જ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા લોકોના નામ સામે આવે છે. તેમણે દાવો કર્યો કે ગેરકાયદેસર વ્યવહારો એક લોહિયા વાહિની નેતાના ખાતા દ્વારા થયા હતા, જેની તપાસ એસટીએફ (STF) કરી રહી છે. યોગીએ અંતમાં ચેતવણી આપી કે જનતાના જીવ સાથે રમત કરનારા માફિયાઓને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે સરકાર કટિબદ્ધ છે અને બુલડોઝર એક્શન માટે તૈયાર રહેજો.
